હૈદરાબાદઃ તેલંગાણાની લોકસભા સાંસદને મતદારોને પૈસા વહેંચવાના આરોપમાં સ્થાનિક અદાલતે 6 મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા કરી છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિની સાંસદ એમ કવિતા અને તેના એક સાથીને કોર્ટે આ મામલે દોષી માન્યા છે. જોકે હાલ કોર્ટે બંનેને જામીન આપ્યા છે. કવિતા તેલંગાણાની મહબૂબાબાદ લોકસભા સીટથી સાંસદ છે. જ્યારે કોઈ લોકસભા સાંસદને અદાલતે આ પ્રકારની સજા સંભળાવી હોય તેવો આ પ્રથમ મામલો છે.
ક્યારનો છે મામલો
આ મામલો 2019ની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. લોકસભા ચૂંટણી દરમિયાન ફ્લાઇંગ સ્કવોડે સાંસદના સાથી શૌકત અલીને ચૂંટણી પહેલા મતદારોને રૂપિયા વહેંચતા રંગે હાથ પકડ્યા હતા. પબ્લિક પ્રોસિક્યૂટરે જણાવ્યું કે, પકડાયા બાદ આ લોકોએ કવિતાના પક્ષમાં વોટ કરવા માટે મતદારોને રૂપિયા વહેંચતા હોવાનો સ્વીકાર કર્યો હતો.
કોર્ટે આપ્યા જામીન
આ મામલે શૌક્ત અલી અને કવિતાને આરોપી બનાવાયા હતા. જજે બંનેને દોષી જાહેર કરીને સજા સંભળાવી હતી. બંનેને 6 મહિનાની સાદી જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે અદાલતે જામીન આપતાં બંનેને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની પણ છૂટ આપી છે.
જજે જ્યારે ફેંસલો સંભળાવ્યો ત્યારે બંને આરોપી કોર્ટમાં હાજર હતા. કોર્ટે તેમને આઈપીસીની કલમ 171 ઈ અંતર્ગત દોષી ઠેરવ્યા હતા. સજા બાદ કવિતાએ સમાચાર એજન્સી પીટીઆઈ ભાષાને કહ્યું કે, તેમને જામીન મળી ગયા છે અને આ અંગે હાઇકોર્ટમાં અપીલ કરશે.
ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,742 નવા કેસ અને 535 લોકોના મોત થયા છે. ઉપરાંત 39,972 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે કુલ એક્ટિવ કેસનો આંકડો 4,08,212 પર પહોંચ્યો છે. કુલ 3,05,43,138 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,20,551 છે. દેશમાં કોરોનાથી કુલ રસીકરણનો આંક 43,31,50,864 પર પહોંચ્યો છે. દેશમાં છેલ્લા થોડા દિવસોથી રસીકરણની ગતિ વધી રહી છે.