ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં જીટી રોડ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી ત્યાર બાદ બસમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. રીપોર્ટ્સ પ્રમાણે, બસમાં 43 મુસાફરો સવાર હતાં. 20 લોકોના મોત થયાની આશંકા છે.


બસ કન્નૌજના ગુરસહાગંજથી જયપુર જઈ રહી હતી. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની ઝડપી નોંધ લીધી છે. તેમણે કન્નૌજના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને મુસાફરોને વધુ સારી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે.

આગ લાગેલી જોઈને બસમાં બેઠેલા મુસાફરોએ બૂમાબૂમ કરી મુકી હતી. બસના 45 જેટલા મુસાફરોમાંથી 10 લોકો બહાર નીકળી શક્યા હતા. ફાયર બ્રિગેડ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ગજેન્દ્રસિંહ અને એડિશનલ પોલીસ અધિક્ષક વિનોદ કુમાર, છિબરામઉ કોટવાલ શૈલેન્દ્રકુમાર મિશ્રા ઘટના સ્થળે પહોંચી ગયા છે.

અકસ્માત બાદ જીટી રોડ જામ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડના અનેક વાહનો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગ બાદ ફક્ત 10-12 મુસાફરો જ બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. અત્યાર સુધી 20 લોકોનાં મોત થયાની આશંકા છે.