ભોપાલ: મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મધ્યપ્રદેશના દમોહ નજીક એક ટ્રેકે ઓટોને ટક્કર મારતા 7 લોકોના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ અકસ્માતને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. 


જાણકારી મુજબ દમોહના સમન્ના તિરહૈ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે ઓટોને ટક્કર મારી અને ઓટોમાં બેસેલા તમામ લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


આ અકસ્માત વિશે જણાવવામાં આવ્યું છે કે ગુપ્તા પરિવારના સભ્યો દમોહ બાજુથી ઓટોમાં બંદકપુર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલા એક લોડર ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કલેક્ટર સુધીર કોચરના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 3 ઘાયલ છે, જેમાંથી 2ને જબલપુર રિફર કરવામાં આવ્યા છે.






દમોહના પોલીસ અધિક્ષક શરત કીર્તિ સોમવંશીએ જણાવ્યું કે આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘાયલો હજુ કહી શક્યા નથી કે તેઓ ક્યાંના છે અને મૃતકો કોણ છે. ઘાયલો ઉપરાંત જે લોકોના મોત થયા છે તેમના ઠેકાણાની પણ હજુ પુષ્ટિ થઈ નથી. ઓટોનો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.  આ ઘટના કેવી રીતે બની અને તેનું કારણ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જેસીબીની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.