નવી દિલ્હીઃ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે પોતાની વેબસાઇટમાંથી ભારતનો ખોટો નકશો હટાવી દીધો છે. આ અગાઉ ટ્વિટરે પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા ભારતના નકશામાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને અલગ દેશ તરીકે બતાવ્યો હતો. ટ્વિટરની આ હરકત બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું હતું અને કાર્યવાહી માટે તથ્યો એકઠા કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, ભારે દબાણ વચ્ચે ટ્વિટરને ખોટો નકશો હટાવવો પડ્યો હતો.


ખોટો નકશો બતાવવો ભારતની સંપ્રભુતાનું ઉલ્લંઘન હતું જેના પર સરકાર તરફથી ભારે વિરોધ નોધાવાયો હતો. આ અગાઉ ટ્વિટર તરફથી જે ટ્વિટ કરવામાં આવ્યું હતું તેમાં જે તસવીર છપાયેલી હતી તેમાં ભારતનો નકશો અલગ બતાવાયો હતો.  તે સિવાય અન્ય અનેક દેશોના નકશાને બતાવવામાં આવ્યા હતા પરંતુ તેમાં કોઇ પ્રકારની છેડછાડ કરવામાં આવી નહોતી. પરંતુ ભારતના નકશા સાથે છેડછાડ કરવામાં આવી હતી. ભારતના નકશામાંથી જમ્મુ કાશ્મીરને અલગ દેશ બતાવવામાં આવ્યો હતો.


વાસ્તવમાં ટ્વિટર વેબસાઇટ પર એક કરિયર નામનું પેજ છે અને તેણે તેમાં બતાવ્યું હતું કે, તેમના ઓફિસર્સ કઇ જગ્યા પર છે. ભારતમાં ત્રણ જગ્યા દર્શાવાઇ હતી જેમાં દિલ્હી, મુંબઇ અને બેગ્લુરુનો સમાવેશ થાય છે. અને તેમાં જ ખોટો નકશો બતાવાયો હતો. આ ખૂબ અપમાનજનક હતું.


નોંધનીય છે કે આ પ્રથમવાર નથી થયું જ્યારે ટ્વિટર તરફથી આવી હરકત કરવામાં આવી હોય. આ અગાઉ 12 નવેમ્બરના રોજ પણ આ પ્રકારની હરકત કરવામાં આવી હતી. તે સમયે લદ્દાખને ચીનનો હિસ્સો બતાવવામાં આવ્યો હતો. તે સમયે સરકાર તરફથી કડક  પ્રતિક્રિયા બાદ ટ્વિટરે લેખિતમાં માફી માંગી હતી. આ લેખિત માફીમાં ટ્વિટરે કહ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની કોઇ ભૂલ નહીં  થાય પરંતુ તેમ છતાં તેના સાત મહિનાની અંદર ટ્વિટરે ફરીવાર એ પ્રકારની હરકત કરી હતી. જોકે બાદમાં ટ્વિટરે પોતાની વેબસાઇટ પરથી ભારતનો ખોટો નકશો હટાવી લીધો હતો.