નવી દિલ્હીઃ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાંથી જે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે એમાંથી કોરોના પીડિત પરિવારોને વળતર આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આ તેમની જરૂરિયાત અને અધિકાર છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કહ્યું કે, વિકટ સ્થિતિમાં જન સહાયતાના આ અવસરથી મોદી સરકારે પાછા હટવું જોઇએ નહીં.


રાહુલ ગાંધીએ ટ્વિટમાં કહ્યું કે, પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સ વસૂલીના નાના હિસ્સાને કોરોના પીડિત પરિવારોને વળતર આપી શકાય છે. આ તેમની  જરૂરિયાત છે, અધિકાર છે. વિકટ પરિસ્થિતિમાં જન સહાયતાના આ અવસરથી મોદી સરકારે પાછા હટવું જોઇએ નહીં.


આ અગાઉ કોગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, રાહુલ ગાંધીની માંગ હતી કે કોવિડ વળતર ફંડ સ્થાપિત કરવામાં આવે. અમારી માંગ છે કે તત્કાળ કોવિડ વળતર ફંડ સ્થાપિત કરવામાં આવે અને તમામ મૃતક પરિવારને તેમાંથી 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.


વાસ્તવમાં કોગ્રેસે કોવિડના કારણે જીવ ગુમાવનારા પરિવારોને આર્થિક મદદની માંગ કરી હતી. જેના સંદર્ભમાં કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટને કોરોના પીડિતો અને કોરોના યોદ્ધાઓનું અપમાન ગણાવ્યું હતું. કોગ્રેસે કહ્યું કે, આ મહામારીમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારને 10 લાખ રૂપિયાની મદદ આપવામાં આવે.


ગૌરવ વલ્લભે દાવો કર્યો કે છેલ્લા નાણાકીય વર્ષમાં સરકારે પેટ્રોલ-ડીઝલના ઉત્પાદકો પર ટેક્સ મારફતે લગભગ ચાર લાખ કરોડ રૂપિયાની  લૂંટ કરી હતી અને આ રાશિના 10 ટકા ખર્ચ કરીને કોવિડ પ્રભાવિત પરિવારોની મદદ કરી શકાય છે.


તેમણે કહ્યું કે, છેલ્લા 16 મહિનામાં દેશનો તમામ નાગરિક કોરોના મહામારીથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રભાવિત થયો છે. પરંતુ સરકાર કાંઇ સાંભળવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટમાં સરકારે એફિડેવિટ દાખલ  કરી છે જેના પરથી લાગે છે કે તેને દેશના નાગરિકોની કોઇ ચિંતા નથી.