નવી દિલ્હી: દિલ્હી પોલીસના વધુ બે જવાન કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. તેઓ તબ્લીગી જમાત મામલાની તપાસ કરી રહેલી ટીમનો ભાગ હતા. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે બંને પોલીસકર્મીને ક્વોરન્ટાઈન કેંદ્રમાં મોકલવામાં આવ્યા છે.


આ પહેલા, દક્ષિણ દિલ્હીન નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના મુખ્યાલય ગયેલા દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલ પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.

કોન્સ્ટેબલ ગત મહિને ત્યાં આયોજિત ધાર્મિક સમ્મેલનની તપાસ માટે મરકજમાં ગયો હતો. જ્યાં ઘણા લોકો સંક્રમિત હોવાની સૂચના મળી હતી. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસના 21થી વધુ કર્મચારીઓ કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે.

દુનિયાભરના 212 દેશોમાં કોરોના વાયરસ મહામારીથી મૃત્યુ પામેલાની સંખ્યા 2 લાખ 39 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 94,552 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.