Sidhu Moose Wala Case: અમૃતસરમાં પંજાબ પોલીસે સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ બે શૂટરોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. દરમિયાન પંજાબ પોલીસના ત્રણ જવાન ઘાયલ થયા હતા. એન્કાઉન્ટર દરમિયાન એબીપી નેટવર્કના કેમેરામેન સિકંદરને પણ પગમાં ઇજા પહોંચી હતી. કેમેરામેન સિકંદર ઘાયલ થયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શૂટર્સ જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ ઉર્ફે મન્નુ કુસા ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ હતા અને બંને ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. બંને ભકના ગામમાં છુપાયા હોવાની માહિતી મળતાં આજે પંજાબ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું. લગભગ ચાર કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ બંનેને ઠાર મારવામાં આવ્યા હતા.
ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ફરાર બે શૂટર્સ મનુ અને રૂપા આજે એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. 3 પોલીસકર્મી ઘાયલ છે, જેઓ ખતરાની બહાર છે. સ્થળ પરથી એક AK-47 અને પિસ્તોલ મળી આવી છે. સ્થળ પરથી એક બેગ પણ મળી આવી હતી. તપાસ ચાલુ છે."
અગાઉ, પોલીસે કહ્યું હતું કે એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને લોકોને તેમના ઘરોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. આરોપીઓ જ્યાં છુપાયા હોવાનું કહેવાય છે ત્યાંથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 29 મેના રોજ માનસા ગામમાં સિંગર શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સીસીટીવી ફૂટેજમાં રૂપા અને કુસા 21 જૂને મોગા જિલ્લાના સામલસર ખાતે મોટરસાઇકલ પર બેઠેલા જોવા મળ્યા હતા. પોલીસે છ હુમલાખોરોની ઓળખ કરી છે, જેઓ હત્યામાં સામેલ બે મોડ્યુલનો ભાગ હતા.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અગાઉ ત્રણ શૂટર્સ - પ્રિયવ્રતા ફૌજી, કશિશ અને અંકિત સિરસાને પકડ્યા હતા. રૂપા અને કુસા બીજા મોડ્યુલનો ભાગ હતા. કુસાએ મુસેવાલા પર ગોળીબાર કર્યો હોવાનું માનવામાં આવે છે. કુસા અને રૂપા 29 મેના રોજ માણસા જિલ્લાના જવાહર ગામમાં મુસેવાલાની કારને અનુસરી રહ્યા હતા. આ બંને ટોયોટા કોરોલા કારમાં હતા. હત્યા કર્યા બાદ કુસા અને રૂપા કાર છીનવીને ભાગી ગયા હતા. બાદમાં કાર મોગા જિલ્લામાં પાર્ક કરેલી મળી આવી હતી.