નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના ત્રણ ધારાસભ્ય અને 50થી વધારે કાઉન્સિલર મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ નેતા મુકુલ રાયના પુત્ર શુભ્રાંશૂ રાય પણ ભાજપમાં જોડાયા છે. લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ ભાજપ બંગાળમાં પોતાની સ્થિતિ વદારે મજબૂત કરવામાં લાગ્યું છે. મંગળવારે બપોરે ટીએમસીના બે અને સીપીએમના એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે.




કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના ત્રણ ધારાસભ્ય અને 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. તેઓએ કહ્યું કે જેવી રીતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થઇ તેવી રીતે હવે ભાજપમાં નેતાઓનું જોડાવાનું સાત તબક્કામાં થશે. આજે પ્રથમ તબક્કો પત્યો છે. એક સમયના ટીએમસીના દિગ્ગજ નેતા ગણાતા મુકુલ રોય જે હવે ભાજપમાં છે, તેમના પુત્ર અને ધારાસભ્ય સુભ્રાંશુ રોય પણ હવે ભાજપમાં જોડાયા છે. રોય બીજપુરના ધારાસભ્ય છે. તો વિષ્ણુપુરથી ટીએમસીના ધારાસભ્ય તુષાર કાંતિ ભટ્ટાચાર્ય અને હેમતાબાદથી સીપીએમના ધારાસભ્ય દેવેન્દ્ર રોય પણ ભાજપના સભ્ય બન્યા છે.

ધારાસભ્યોની સાથે સાથે કાચરાપાર નગરપાલિકાના 17 કાઉન્સિલર ભાજપમાં જોડાયા જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પણ સામેલ છે. આ સદનમાં કુલ 26 સભ્યો છે, જેમાં 17 સભ્યો ભાજપના હોવાને કારણે હવે અહીં પણ ભાજપની સત્તા આવી ગઇ છે. સાથે બે અન્ય નગરપાલિકામાં ભાજપની સત્તા આવી ગઇ છે.