Ghulam Nabi Azad On UCC: યુનિફોર્મ સિવિલ કોડને લઈને દેશમાં ઠેક ઠેકાણે ભારે ચર્ચા થઈ રહી છે. દેશમાં સાચે જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે? કઈ રીતે અમલી બનશે? 2024ની લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરાશે કે કેમ? તેવા અનેક સવાલ થઈ રહ્યાં છે. 


કાયદા પંચે આ મુદ્દે દેશના લોકો અને ધાર્મિક સંગઠનો પાસેથી અભિપ્રાય માંગ્યો છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે પણ સમાન નાગરિક સંહિતા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સલાહ આપી છે કે, કેન્દ્ર સરકારે UCC વિશે વિચારવું જોઈએ નહીં. કારણ કે તેનાથી તમામ ધર્મના લોકો નારાજ થશે.


ગુલામ નબી આઝાદે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, કલમ 370ને હટાવવા જેટલું સરળ નથી. માત્ર મુસ્લિમો જ નહીં, પણ ત્યાં શીખ, ખ્રિસ્તી, આદિવાસી, પારસી, જૈન અને વધુ છે. એક સાથે આટલા બધા ધર્મોને નારાજ કરવું કોઈ પણ સરકાર માટે યોગ્ય નહીં હોય. મારી આ સરકારને સલાહ છે કે, તેમણે આવું પગલું ભરવાનું ક્યારેય ન વિચારવું જોઈએ.
 
મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ વિરોધ કર્યો 


યુસીસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદન બાદ સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા તેજ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ પગલાનો વિરોધ કર્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ગુરુવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, એનસીપીના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. ત્યાર બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે, કોંગ્રેસે ખાતરી આપી છે કે, જ્યારે UCC સંસદમાં ચર્ચા માટે આવશે ત્યારે પાર્ટી તેમની ચિંતાઓને ધ્યાનમાં લેશે.


જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પર આઝાદે શું કહ્યું?


જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અંગે આઝાદે કહ્યું હતું કે, 2018માં વિધાનસભા ભંગ કરવામાં આવી ત્યારથી અમે રાહ જોઈ રહ્યા છીએ કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે થશે. જમ્મુ-કાશ્મીરના લોકો રાજ્યમાં લોકતાંત્રિક વ્યવસ્થા પુનઃસ્થાપિત થાય તેની રાહ જોઈ રહ્યા છે. મતલબ કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય બને છે અને તે જ સરકાર ચલાવે છે. કારણ કે, લોકશાહીમાં માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આ કામ કરી શકે છે. સમગ્ર વિશ્વમાં અથવા ભારતના કોઈપણ ભાગમાં 'અધિકારી સરકાર' છ મહિનાથી વધુ ટકી શકતી નથી.


https://t.me/abpasmitaofficial