UGC NEET-NET Paper Leak: પેપર લીકના મુદ્દે શિક્ષણ મંત્રાલય દ્વારા UGC નેટની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા રદ્દ કરવાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને વિપક્ષ પણ આ અંગે ભાજપ સરકાર પર પ્રહારો કરી રહી છે. આ દરમિયાન હવે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પરીક્ષા રદ્દ કરવાને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.


એસપી ચીફ અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું - "લોકો કહી રહ્યા છે કે આટલી બધી પરીક્ષાઓ રદ્દ કરવાને બદલે આ બીજેપી સરકારને રદ્દ કરી દેવી જોઈએ."


NEET-PG પરીક્ષા રદ્દ કરવા પર સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવે કહ્યું, "ભાજપના શાસનમાં NEET સિવાય લગભગ તમામ પરીક્ષાઓના પેપર લીક થઈ ગયા છે. તપાસમાં ઘણો વિલંબ થયો છે. તપાસ પહેલા જ થવી જોઈતી હતી અને સજા મળવી જોઈતી હતી."


નેટ પેપર રદ્દને લઇને બીજેપીને ઘેરી 
આ પહેલા પણ અખિલેશ યાદવે પેપર કેન્સલને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા. ગુરુવારે જ તેમણે UGC-NET પરીક્ષા રદ્દ કરવાને લઈને ભાજપની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે યોગી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે ગુરુવારે ટ્વીટર પર લખ્યું હતું કે ગેરરીતિના સમાચાર બાદ UGC-NET પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી છે. વધુમાં તેમણે લખ્યું હતું કે ભાજપના શાસનમાં પેપર માફિયા લગભગ દરેક પરીક્ષામાં ગોટાળા કરે છે. આ દેશ વિરુદ્ધ કોઈનું મોટું ષડયંત્ર પણ હોઈ શકે છે.






નીટ રિઝલ્ટને લઇને અખિલેશ યાદવનો હુમલો 
અખિલેશ યાદવે NEET પેપરને લઈને પણ પ્રહારો કર્યા હતા. NEETના પરિણામમાં થયેલી ગેરરીતિઓ અંગે તેમણે X પર લખ્યું હતું કે, "જો NEET પરીક્ષામાં ગોટાળા થશે તો પ્રામાણિક લોકો ડોક્ટર નહીં બની શકે અને દેશના લોકોની સારવાર માટે ડોક્ટરોની અછત સર્જાશે. ભવિષ્યમાં અપ્રમાણિક લોકો લોકોના જીવનને નુકસાન પહોંચાડશે. UGC-NET પરીક્ષાની ગેરહાજરી સાથે શિક્ષકોની પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી અછત વધુ વધશે. શિક્ષકોની અછત દેશના માનસિક વિકાસમાં અવરોધ ઊભો કરશે, જે લાંબા ગાળે દેશ માટે ઘાતક સાબિત થશે.