નવી દિલ્હી: અંડર વર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. છોટા રાજને પોતાની તબિયત સારી ન હોવાની ફરિયાદ કરતાં તેને ગત 27મી જુલાઇએ દિલ્લી એઇમ્સ (All India Institute of Medical Sciences)માં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે છોટા રાજન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બે મહિના પહેલા છોટા રાજનનું કોરોનાના કારણે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં મોત થયું હોવાના ન્યૂઝ વાયરલ થયા હતા. જોકે ગણતરીની મીનિટોમાં જ એઈમ્સ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, છોટા રાજન હજી જીવે છે અને તેની કોરોનાની સારવાર ચાલી રહી છે.
છોટા રાજનને 25 એપ્રિલે તિહાડ જેલમાંથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. છોટા રાજનની 2015માં ઈન્ડોનેશિયાથી ધરપકડ પછી નવી દિલ્હીની ઉચ્ચ સુરક્ષાવાળી તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. છોટા રાજન તિહાર જેલમાં હતો તે દરમિયાન તેને કોરોના થયો હતો. એપ્રિલ અંતમાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી 26 એપ્રિલે તેને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મુંબઈમાં 1993માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં છોટા રાજન આરોપી હતો. છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિકાલજે હતું. 2015માં તેને ઈન્ડોનેશિયાથી ભારત પ્રત્યારપણ કરી લવાયો હતો. 26 એપ્રિલના રોજ તેને કોરોનાની સારવાર માટે એઈમ્સ લવાયો હતો. છોટા રાજન સામે બે ડઝનથી વધારે કેસ ચાલી રહ્યા હતા, જેમાંથી આશરે 4 કેસમાં તેને કોર્ટમાંથી સજા મળી ચૂકી હતી. છોટા રાજન ઉર્ફ સદાશિવ તિહાડ જેલ પરિસરની જેલ નંબર 2ના ખૂબ જ સુરક્ષિત વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. છોટા રાજનને અલગ-અલગ કેસમાં 10 વર્ષ સુધીની સજા પણ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે છોટા રાજન અને દાઉદ ઈબ્રાહિમ ક્યારેક એક જ ગેંગના સભ્યો હતો પરંતુ દાઉદના ભારત વિરોધી તાકતો સાથે મળ્યા બાદ છોટા રાજન તેનાથી અલગ થઈ ગયો હતો. બાદમાં દાઉદના માણસોએ બેંકોકમાં છોટા રાજન પર હુમલો પણ કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના પેટમાં એક મહત્વપૂર્ણ આંતરડામાં ખૂબ જ નુકસાન પહોચ્યું હતું.
બાદમાં છોટા રાજનને સીબીઆઈ દ્વારા જાહેર કરાયેલી ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધાર પર મલેશિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને વર્ષ 2015માં ભારત લાવવામાં આવ્યો હતો. ભારત લાવ્યા બાદ સુરક્ષાના કારણોસર તેને મુંબઈની જેલમાં ન રાખવામાં આવ્યો કારણ કે અહીં આશંકા હતી કે દાઉદ સમર્થિતન માણસો તેની સામે ષડયંત્ર રચી શકે છે અને મુંબઈની જેલમાં તેના પર હુમલો થઈ શકે છે. જેના કારણે છોટા રાજનને સજા ભોગવવા માટે દિલ્હીની તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.