Unified Pension Scheme: કેન્દ્રની મોદી સરકારે શનિવારે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ હેઠળ હવે ઓછામાં ઓછી 25 વર્ષ સુધી સેવા આપનાર કર્મચારીને નિવૃત્તિ પહેલાં નોકરીના છેલ્લા એક વર્ષના સરેરાશ બેઝિક પેના 50 ટકા પેન્શન તરીકે મળશે. કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકારી કર્મચારીઓ તરફથી લાંબા સમયથી એશ્યોર્ડ રકમની માંગ કરવામાં આવી રહી હતી.


23 લાખ કર્મચારીઓને લાભ મળશે


યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ જો કોઈ કર્મચારી 10 વર્ષ કામ કર્યા પછી નોકરી છોડે છે તો તેમને દસ હજાર રૂપિયા પ્રતિ માસનું એશ્યોર્ડ પેન્શન આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ પગલાથી દેશના 23 લાખ કર્મચારીઓને લાભ મળશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે જો કોઈ કર્મચારી ન્યૂ પેન્શન સ્કીમ (NPS) અને યુનિફાઈડ પેન્શન સ્કીમમાંથી કોઈ એકને પસંદ કરવા માંગે છે તો તેમને આ વિકલ્પ પણ મળશે.


કેન્દ્ર સરકાર આ સ્કીમ NPSની જગ્યાએ લાવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "JCS સાથે ઘણી બેઠકો થઈ. અન્ય દેશોમાં કેવા પ્રકારની સ્કીમ છે, તેના પર ચર્ચા થઈ. આ પછી ભારતની અર્થવ્યવસ્થા અને કેન્દ્ર સરકારનું બજેટ જોયું અને તેને સમજવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે, વર્લ્ડ બેંક સાથે મીટિંગ થઈ, જેના પછી યુનિફાઈડ પેન્શન સ્કીમનું સૂચન આ કમિટીએ કર્યું."


પેન્શન તરીકે કેટલા પૈસા મળશે


કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "આમાં 50 ટકા સુનિશ્ચિત પેન્શન આ યોજનાનો પ્રથમ સ્તંભ છે. આ માટે કર્મચારીએ ઓછામાં ઓછી 25 વર્ષ સેવા આપી હોય. જો કોઈ કર્મચારીની સેવા 25 વર્ષથી ઓછી છે અને 10 વર્ષથી વધુ છે, તેમના પ્રો રાટા પેન્શન (Pro Rata Pension)ની રકમ બનશે. આમાં બીજો સ્તંભ સુનિશ્ચિત પારિવારિક પેન્શન છે. આ હેઠળ જો કર્મચારીનું મૃત્યુ થાય તો તે કર્મચારીના મૃત્યુ પહેલાં જે પેન્શન હતું, તેનું 60 ટકા મૃતકની પત્ની/પતિને મળશે."


કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "આ યોજનાનો ત્રીજો સ્તંભ સુનિશ્ચિત મિનિમમ પેન્શન છે. ઘણી વાર સરકારી કર્મચારીઓની સર્વિસ ઓછી હોય છે, જેનાથી તેમને પેન્શનમાં પૂરતી રકમ મળતી નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓએ આને એક મોટો મુદ્દો પણ જણાવ્યો હતો. આ કારણે સુનિશ્ચિત મિનિમમ પેન્શન 10,000 રૂપિયા પ્રતિ માસનું પ્રાવધાન આ સ્કીમમાં કરવામાં આવ્યું છે."


આ પણ વાંચોઃ


Unified Pension Scheme: મોદી સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ, નવી પેન્શન સ્કીમ રજૂ કરી