નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા 15 લાખને પાર પહોંચી ગઈ છે અને નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દુનિયાના અનેક દેશો સાથે ભારતમાં પણ આ કોરોનાની વેક્સીન બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એવામાં દેશમાં સંક્રમણની સ્થિતિ અને વેક્સીન બનાવવાના પ્રયત્નોને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને સંતોષ વ્યક્ત કર્યો અને વેક્સીન બનાવી રહેલી કંપનીઓની પ્રશંસા પણ કરી.

કોરોના વાયરસ વિરુદ્ધ વૈજ્ઞાનિક તથા ઔધોગિક અનુસંધાન પરિષદ (CSIR)ના પ્રયત્નોને લઈને એક દસ્તાવેજ જાહેર કરતા તેની પ્રશંસા પણ કરી હતી. સાથે કોરોનાની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ભારત આ લડાઈમાં કોઈથી પાછળ નથી.

હર્ષવર્ધને કહ્યું કે, આ બીમારી વિરુદ્ધ એકજૂટ થઈને કરવામાં આવેલા પ્રયત્નોનું પરિણામ છે કે, દેશમાં હાલમાં રિકવરી રેટ 64 ટકા સુધી પહોંચી ગયો છે. જે દુનિયાના અનેક મોટા દેશોના મુકાબલે ખૂબજ સારો છે. જ્યારે મૃત્યુ દર પણ 2 ટકાથી ઉપર છે, જે કેટલાક દેશોની સરખામણીએ ખૂબજ ઓછો છે .

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આ બીમારી સામે લડવા માટે વેક્સીન બનાવવા મામલે ભારતની બે કંપનીઓ ક્લીનિકલ ટ્રાયલના સ્ટેજ પર પહોંચી ગઈ છે. તેઓએ કહ્યું, “કોરોના વેક્સીન માટે દેશની બે કંપનીઓ ક્લીનિકલ ટ્રાયલ ફેઝમાં પહોંચી ગઈ છે, જે દેશ માટે ગર્વની વાત છે. ”