Corona Vaccine: કોરોના વાયરસ સામે દેશવ્યાપી રસીકરણ અભિયાનને રવિવારે એટલે કે 16 જાન્યુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું છે. આ સમગ્ર વર્ષ દરમિયાન, રસીના લગભગ 156.76 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પીએમ મોદીની પ્રશંસા કરતા રસીકરણ અભિયાનને વિશ્વનું સૌથી સફળ અભિયાન ગણાવ્યું હતું. રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થવા પર રવિવારે બપોરે એક પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડવામાં આવી હતી.


તેમણે ટ્વીટ કર્યું કે આજે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું છે. PM મોદીના નેતૃત્વમાં 'સૌના પ્રયાસ' સાથે શરૂ થયેલું આ અભિયાન આજે વિશ્વનું સૌથી સફળ રસીકરણ અભિયાન છે. આ સાથે માંડવીયાએ તમામ આરોગ્ય કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.






આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 92 ટકા પુખ્ત વસ્તીએ ઓછામાં ઓછો એક ડોઝ મેળવ્યો છે, જ્યારે લગભગ 68 ટકાને રસી આપવામાં આવી છે. અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું, જ્યારે પ્રથમ તબક્કામાં, આરોગ્ય કર્મચારીઓને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ પછી, ફ્રન્ટલાઈન જવાનો માટે 2 ફેબ્રુઆરીથી રસીકરણ શરૂ થયું. કોવિડ-19 રસીકરણનો આગળનો તબક્કો 1 માર્ચથી શરૂ થયો હતો, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી જેમને અન્ય ગંભીર બીમારીઓ હતી.






અભિયાનના આગળના તબક્કામાં 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણની મંજૂરી 1 મે, 2021થી આપી હતી. આ પછી, 15 થી 18 વર્ષની વયજૂથના તરૂણો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનનો આગળનો તબક્કો આ વર્ષે 3 જાન્યુઆરીથી શરૂ થયો હતો.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,71,202 નવા કેસ નોંધાયા છે અને 314 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,38,331 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 15,50,377 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.28 ટકા છે ઓમિક્રોનના કુલ 7,743 કેસ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 70,24,48,838 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15 જાન્યુઆરીએ 16,65,404 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.


એક્ટિવ કેસઃ 15,50,377


કુલ ડિસ્ચાર્જઃ 3,50,85,721


કુલ મોતઃ 4,86,066 


રસીકરણઃ 1,56,76,15,454