લંડનઃ કોરોના વાયરસના સંક્રમણના પગલે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ભારતની મુલાકાત રદ્દ કરી છે. બ્રિટનમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેને પગલે પ્રધાનમંત્રી બોરિસ જોનસને ભારતની મુલાકાત રદ્દ કરી છે. બોરિસ જોનસન 26મી જાન્યુઆરીએ ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બનવાના હતા.


ગણતંત્ર દિવસ પર આ વખતે જોનસન મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ કહ્યું, 'પ્રધાનમંત્રી જોનસને આજે સવારે પીએમ મોદી સાથે વાત કરી, તેમણે કહ્યું કે તેઓ આ મહીનાથી શરૂઆતમાં ભારત આવવા અસમર્થ છે.'

બ્રિટનમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોરોના અટકવાનું નામ નથી લેતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોરિસ જોનસન સરકારે માર્ચ સુધીમાં દેશમાં કડક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. લોકડાઉન સાત સપ્તાહ રહેશે. માનવામાં આવે છે કે બ્રિટનમાં કોરોનાને કારણે મોતનો આંક એક લાખ સુધી પહોંચતો રોકવા માટે સરકારે આ અભિયાન હાથમાં લીધું છે.

UKમાં અત્યાર સુધીમાં 27 લાખ 13 હજાર 563 કેસ નોંધાયા છે. જેમા 75 હજાર 431 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં UKમાં 58 હજાર 784 કેસ નોંધાયા હતા અને 407 લોકોના મોત થયા હતા.

આ ઉપરાંત સરકારે ફેબ્રુઆરી મધ્ય સુધીમાં સ્કૂલો પણ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરમાં જ રહે. દિવસમાં એકવાર એક્સરસાઈઝ કરે. 4 જાન્યુઆરીથી રાતે બિનજરૂરી દુકાનો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં 4 જાન્યુઆરીએ નવા સ્ટ્રેનનો એક કેસ નોંધાયો છે.