સૂત્રો અનુસાર 30 જૂનની આ આસપાસ (30 જૂન અથવા એક દિવસ પહેલા) કેન્દ્ર સરકાર તરફથી અનલોક 2ને લઈને ગાઇડલાઇન બહાર પાડવામાં આવી શકે છે. કહેવાય છે કે, અનલોક 2માં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવામાં આવી શકે છે. જોકે આ સેવા ખૂબ જ મર્યાદિત હશે. જેમ કે દિલ્હીથી ન્યૂયોર્ક અને મુંબઈથી ન્યૂયોર્કની વચ્ચે ઉડાન સેવા શરૂ થઈ શકે છે.
ઉપરાંત ખાડી દેશોથી પ્રાઈવેટ કેરિયરના ઉડાનોને મંજૂરી આપી શકે છે. જોકે સ્કૂલ-કોલેજ અને મેટ્રો જેવી સેવાને શરૂ કરવી હાલમાં મુશ્કેલ છે કારણ કે રાજ્ય સરકાર આ પ્રકારના નિર્ણય માટે તૈયાર નથી જોવા મળી રહી.
જણાવીએ કે, 1 જૂનથી 30 જૂન દરમિયાન સરકારે ઘણી વસ્તુઓ પરથી પ્રતિબંધ હટાવી લીધો. જેમ કે ડોમેસ્ટિક વિમાન સેવા, ધર્મસ્થળો, હોટલો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી. જોકે આ બધા આદેશ કન્ટેનમેન્ટ ઝોન બહાર એટલે કે સામાન્ય વિસ્તાર માટે બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન હતી કે રાત્રે નવ કલાકથી સવારે પાંચ કલાક સુધી ગતિવિધિઓ પર પૂરી રીતે પ્રતિબંધ રહેશે.
મેટ્રો સેવા, સિનેમા હોલ, જિમ, સ્વીમિંગ પૂલ અને મનોરંજન પાર્ક વગેરે ખોલવાને લઇને ત્રીજા તબક્કામાં સ્થિતિ પ્રમાણે વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી તેને બંધ જ રાખવામાં આવ્યા છે.
હવે એ જોવાનું રહેશે કે અનલોક-2ને લઈને કેન્દ્ર સરકાર કેટલી વધારે છૂટછાટ આપે છે અને રાજ્ય સરકારોના હાથમાં કેટલા અધિકાર આપે છે.