નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશ અનલોક 2.0 તરફ આગળ વધી રહ્યું છે. કેંદ્ર સરકારની નવી ગાઈડલાઈનમાં ઘણી છૂટ મળી છે પરંતુ ઘણી ગતિવિધિઓ પર હાલ પણ પ્રતિબંધ છે. મેટ્રો રેલ સેવાઓ શરૂ થવાની આશા હતી પરંતુ સરકારે હાલ ઈનકાર કર્યો છે. આ સિવાય સ્કૂલ, કૉલેજ અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. નાઈટ કર્ફ્યૂમાં ઔદ્યોગિક એકમોને જરૂરી વસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે. આવો જાણીએ અનલોક 2.0 માં શુ શુ બદલાવ થયો છે.


નાઈટ કર્ફ્યૂના સમયમાં થોડી રાહત આપતા તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાત્રીના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જરૂરી ગતિવિધિઓને બાદ કરતા બહાર નિકળવા પર પ્રતિબંઘ છે.

ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યો છે. પહેલાં આ પ્રતિબંધ 15 જુલાઈ સુધીનો રાખવામાં આવ્યો હતો. DGCAના આદેશ પ્રમાણે, આ નિર્ણયની અસર આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ્સ અને અન્ય ઉડાન પર નહીં પડે. દેશમાં 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે.

દુકાનો અંદર એક સમયે પાંચથી વધુ લોકો રહી શકશે. પરંતુ તેમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો થવો જરૂરી છે. એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર દુકાનમાં ગ્રાહકો એકઠા નહી કરી શકો.

ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટના ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ ખુલ્લા રહેશે. બીજા રાજ્યામં જવા માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી.

મેટ્રો રેલ સેવાઓ, થિયેટર, જિમ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પૂલ્સ, ઓડિટોરિયમ, બાર, એસેમ્બલી હોલ અને આ પ્રકારની અન્ય જગ્યાઓ બંધ રહેશે. સામાજિક મેળવાડા પર પણ પ્રતિબંધ છે. 31 જૂલાઈ સુધી સ્કૂલ કૉલેજ અને કોચિંગ ક્લાસ પણ બંધ રહેશે.