વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડશે
રિપોર્ટ પ્રમાણે રેલવે દ્વારા અનલોક-2માં વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી શકે છે. ભોપાલ અને લખનઉથી સીધી ટ્રેન શરૂ કરવામાં આવી શકે છે. રેલવે બોર્ડ દ્વારા ઝોનલ રેલવે ઓફિસને પોપ્યુલર લાઇન પર શું ડિમાન્ડ છે તે મોકલવા જણાવાયું છે. આ ઉપરાંત કોલકાતાથી દૂન એક્સપ્રેસ, વારાણસીથી જનતા એક્સપ્રેસ પણ શરૂ થઈ શકે છે. જોકે કયા રૂટ પરથી કેટલી ટ્રેન દોડશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી નથી.
ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યા વધી શકે
દેશભરમાં આવેલા વિવિધ એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યા વધારવામાં આવી શકે છે. જેમકે મુંબઈ એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિક ઓપરેશન પ્રતિ દિવસ માત્ર 20 ફ્લાઇટ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જે સંખ્યા વધીને હાલ 100 સુધી પહોંચી છે. ખાનગી એરલાઇન્સને પણ ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. એર ઈન્ડિયા દ્વારા કેટલાક રૂટ્સ પર વધારે ડોમેસ્ટિક ફ્લાઇટ્ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
વંદે ભારત હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશન લોન્ચ કરાયું હતું. પરંતુ હવે કેટલાક દેશો દ્વારા આ પ્રક્રિયાનો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તેઓ તેમના દેશની ફ્લાઇટ દ્વારા નાગરિકોને પરત મોકલવા ઈચ્છે છે. અનલોક-2માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નથી પરંતુ કેટલાક આંતરરાષ્ટ્રીય કેરિયરને ભારતીય એરસ્પેસમાં પ્રવેશ આપવામાં આવી શકે છે.