Prophet Muhammad Row: નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના નિવેદનને લઈને આજે ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતું. શુક્રવારની નમાજ બાદ યુપીના છ શહેરોમાં લોકોએ નારા લગાવ્યા અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ યોગી સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં 136 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં સહારનપુરના 45, પ્રયાગરાજના 37, હાથરસના 20, મુરાદાબાદના 7, ફિરોઝાબાદના 4 અને આંબેડકરનગરના 23 લોકોનો સમાવેશ થાય છે.






એસસીએસના ગૃહ વિભાગ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે, સહારનપુર અને પ્રયાગરાજમાં નમાજ પછી એકઠા થયેલા લોકોને સમજાવ્યા બાદ વિખેરવામાં આવ્યા હતા. શાંતિનો ભંગ કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ.


અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ લખનઉમાં કહ્યું, "હિંસામાં સામેલ લોકોને રોકવા માટે હળવા બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. હું લોકોને અપીલ કરું છું કે હિંસાનો આશરો લીધા વિના લોકતાંત્રિક રીતે વિરોધ કરો."


અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે તમામ સરકારી, ખાનગી મિલકતો કે જેને નુકસાન થયું છે તે વસૂલવામાં આવશે. તોફાનીઓની મિલકતો પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવશે.


ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ડીએસ ચૌહાણે દાવો કર્યો હતો કે, “રાજ્યમાં કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હિંસામાં સામેલ લોકો સામે અમે કડક કાર્યવાહી કરીશું. ચૌહાણે કહ્યું, “અમારા સહયોગી રેપિડ એક્શન ફોર્સ (RAAF)ના એક જવાનને ચહેરા પર પથ્થર વાગ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે.


પ્રયાગરાજ સૌથી વધુ અસરગ્રસ્ત છે


પ્રયાગરાજના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજય કુમારે કહ્યું કે શુક્રવારની નમાજ પછી, ખાસ સમુદાયના લોકોએ નારા લગાવ્યા અને ખુલદાબાદ અને કારેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો. જો કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, કેટલાક પોલીસકર્મીઓને પથ્થરમારામાં સામાન્ય ઈજાઓ થઈ છે.