દેશમાં 25 વર્ષનો સૌથી ભયંકર ચોમાસુ, અત્યાર સુધી 148 લોકો વરસાદથી મૃત્યુ પામ્યા, જાણો વિગતે
abpasmita.in | 01 Oct 2019 11:04 AM (IST)
25 વર્ષોમાં પહેલીવાર ચોમાસાએ ભયંકર રૂપ ધારણ કર્યુ છે. જેમાં યુપીમાં 111 અને બિહારમાં 28 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે
નવી દિલ્હીઃ ભારે વરસાદથી આખા ભારતભરમાં સંકટની સ્થિતિ પેદા થઇ ગઇ છે. અનેક રાજ્યો લીલો દુકાળ પડવાની કગાર પર આવીને ઉભા છે, યુપી, બિહાર, મધ્યપ્રદેશન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી 148 લોકો વરસાદ અને પુરના કારણે મૃત્યુ પામ્યા છે. ભારે વરસાદ અને પુરના કારણે દેશભરમાં ચોમાસુ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે, 25 વર્ષોમાં પહેલીવાર ચોમાસાએ ભયંકર રૂપ ધારણ કર્યુ છે. જેમાં યુપીમાં 111 અને બિહારમાં 28 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ પહેલા 1994માં આટલો વરસાદ પડ્યો હતો. તો રાજધાની દિલ્લીમાં આ સીઝનમાં 38 ટકા ઓછો વરસાદ પડ્યો છે, જે શહેરમાં 2014 પછી ઓછો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે પણ ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં વરસાદનાં કારણે 129 લોકોનાં મોત થઇ ચુક્યા છે. દક્ષિણ-પશ્ચિમ ભારતની વાત કરીએ તો આ વખતે 10 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે, જ્યારે કે સામાન્ય રીતે અહીં 1 સપ્ટેમ્બર પછી વરસાદ નથી હોતો. 2007માં 30 સપ્ટેમ્બર સુધીનો વરસાદ થયો હતો, પરંતુ આ વખતે 1961 પછી પહેલી વખત આટલા બધા દિવસ સુધી વરસાદ જોવા મળી રહ્યો છે. 1961માં પણ વરસાદ બંધ થવાની તારીખ 1 ઓક્ટોબર હતી.