લખનઉ: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી હવે પોતાના સાતમા અને અંતિમ તબક્કામાં પર પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે વારાણસીમાં રોડ શો કર્યો. પીએમ મોદીએ પહેલા મલદહિયા ચોક પર સરદાર પટેલે ફૂલમાળા પહેરાવી અને બાદમાં બનારસના રસ્તાઓ પર તેમનો રોડ શો શરુ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.


પીએમ મોદીના રોડ શોનો રુટ


પીએમ મોદીનો રોડ શો મલદહિયા ચોકથી શરૂ થયો હતો, જે લોહા મંડી, લહુરાબીર, પીપલાની કટરા, કબીરચૌરા, લોહાટિયા, મૈદાગીન, બુલાનાલા, ચોક થઈને કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા બાદ સમાપ્ત થશે. વડા પ્રધાન બાબા વિશ્વનાથની પૂજા કર્યા પછી, અસ્સી માર્ગ થઈને લંકા (BHU ગેટ) સ્થિત પંડિત મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા પછી, તેઓ રાત્રિ વિશ્રામ માટે જશે.



રોડ શો પહેલા પીએમ મોદીએ મિર્ઝાપુરમાં રેલીને સંબોધી હતી. પીએમએ કહ્યું કે, છ તબક્કામાં ઉત્તર પ્રદેશે ભાજપ અને એનડીએના સુશાસન માટે ભારે મતદાન કર્યું છે. હવે વારો છે મિર્ઝાપુર, ભદોહી અને આ સમગ્ર પ્રદેશનો.  પરિવારવાદીઓ, માફિયાવાદીઓને ફરીથી હરાવવા પડશે અને તેમને મજબૂત રીતે પરાજિત કરવા પડશે.


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત યુદ્ધમાં ફસાયેલા અમારા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યું છે.


પીએમ મોદીએ કહ્યું, "આ સમયે સમગ્ર વિશ્વ આ સદીના ખૂબ જ નાજુક તબક્કામાં છે. રોગચાળો, અશાંતિ, અનિશ્ચિતતા આજે વિશ્વના ઘણા દેશોને અસર કરી રહી છે. કટોકટી ગમે તેટલી ઊંડી હોય, ભારતના પ્રયાસો તેના કરતા વધુ મોટા, વધુ દૃઢ રહ્યા છે.


તેમણે વધુમાં કહ્યું, “આપણા લાખો ભારતીયો આખી દુનિયામાં કોરોનામાં ફસાયેલા હતા. ભારતે ઓપરેશન વંદે ભારત ચલાવીને દરેક નાગરિકને પાછા આવવામાં મદદ કરી. અફઘાનિસ્તાનમાં કટોકટીમાં હજારો ભારતીયો ફસાયા હતા, તેથી ઓપરેશન દેવી શક્તિ ચલાવીને અમે ઘણા ભારતીયોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. અત્યારે આખી દુનિયા યુક્રેનની સ્થિતિ પર નજર રાખી રહી છે. યુદ્ધમાં ફસાયેલા તેના દરેક નાગરિકને, આપણા વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે ભારત દિવસ-રાત કામ કરી રહ્યું છે. અમે 'ઓપરેશન ગંગા' ચલાવીને હજારો બાળકોને યુક્રેનમાંથી સુરક્ષિત લાવ્યા છીએ.