BJPથી અલગ થયા બાદ શિવસેનાની આવકમાં મોટો ઘટાડો થયો છે. 2019-20ની સરખામણીમાં 2020-21માં મહારાષ્ટ્રની મોટી પાર્ટી શિવસેનાની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2020-21માં પાર્ટીની આવક ઘટીને 13.84 કરોડ રૂપિયા થઈ ગઈ છે જ્યારે 2019-20માં પાર્ટીની આવક 111.40 કરોડ હતી. પક્ષ દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલા વાર્ષિક ઓડિટ રિપોર્ટ પરથી આ વાત જાણવા મળી છે.પાર્ટીએ 2019ની રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 2019ની લોકસભા ચૂંટણી કરતાં બમણા પૈસા ખર્ચ્યા હતા. પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં 24.30 કરોડ રૂપિયા જ્યારે વિધાનસભા ચૂંટણીમાં 53.27 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
ભાજપ સાથે ચૂંટણી લડી હતી
શિવસેનાએ તેના જૂના સહયોગી ભાજપ સાથે મળીને રાજ્યમાં 2019ની વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી પછી, પાર્ટીએ સીએમ પદમાં ભાગીદારીની માંગ કરી રહી હતી, ત્યારબાદ શિવસેનાએ ભાજપથી અલગ થવું પડ્યું. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે ચૂંટણી પછી સીએમ પદમાં ભાગીદારીની વાત કરી હતી અને તે પોતાના વચનથી ફરી રહી છે. ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ પાર્ટીએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી.
બિહાર ચૂંટણીમાં શિવસેનાનું પ્રદર્શન
શિવસેનાએ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. આ ચૂંટણીમાં પાર્ટીએ 22 સીટો પર ચૂંટણી લડી હતી અને 11.23 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. અહીં પાર્ટીને NOTA ના 1.68 ટકાથી પણ ઓછા 0.05 ટકા વોટ મળ્યા હતા.
ક્યાંથી કેટલું ફંડ મળ્યું ?
31 માર્ચ 2021 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રજૂ કરાયેલ આવક અને ખર્ચ એકાઉન્ટ મુજબ શિવસેનાએ ફી અને સભ્યપદ દ્વારા રૂ. 85.36 લાખ એકત્ર કર્યા હતા, જે 31 માર્ચ 2020 ના રોજ સમાન હેડ હેઠળ રૂ. 25.39 લાખ હતા. 31 માર્ચ, 2020 સુધી પ્રાપ્ત થયેલા કુલ નાણાંમાંથી 40.98 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડમાંથી મળ્યા હતા. વ્યક્તિગત કરદાતાઓ પાસેથી રૂ. 16.83 કરોડ અને કંપનીઓ-સંસ્થાઓ દ્વારા 36.12 કરોડ મળ્યા હતા. પાર્ટીને કલ્યાણકારી સંસ્થાઓ પાસેથી 11.70 કરોડ રૂપિયા મળ્યા છે.