ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવીને યોગી આદિત્યનાતે 25 માર્ચના રોજ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. સીએમ યોગી સાથે કેશવ પ્રસાદ મોર્ય અને બ્રજેશ પાઠકે ડેપ્યુટી સીએમના પદના શપથ લીધા હતા. તેમના પછી 52 મંત્રીઓએ પણ શપથ લીધી હતી. જે બાદ હવે તરત જ આ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે. 


બંને નેતાઓએ હાથ મિલાવ્યાઃ
આ બધાની વચ્ચે ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પહેલીવાર આમને-સામને આવ્યા હતા. યુપી વિધાનસભાનો એક વીડિયો સામે આવ્યો છે જ્યાં તમામ 403 નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ શપથ ગ્રહણ સમારોહમાં અખિલેશ યાદવે સીએમ યોગી સાથે હાથ મિલાવ્યો હતો. આ સાથે જ સીએમ યોગીએ પણ હસીને અખિલેશ યાદવનો હાથ થપથપાવીને અખિલેશને અભિનંદન આપ્યા હતા.આ હાથ મિલન દરમિયાન બંને નેતાઓ એકબીજા સામે હસતા જોવા મળ્યા હતા. તે જ સમયે, અખિલેશ યાદવ સાથે હાથ મિલાવ્યા પછી સીએમ યોગી તેમની બેઠક તરફ આગળ વધ્યા હતા. 







જણાવી દઈએ કે, આજે સોમવારે યુપી વિધાનસભામાં તમામ 403 નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ અને સપાના વડા અખિલેશ સામ-સામે આવ્યા હતા અને બંને નેતાઓ વચ્ચે શુભેચ્છાઓની આપ-લે થઈ હતી. ખાસ વાત એ છે કે ચૂંટણી રેલી દરમિયાન બંને નેતાઓ એકબીજા પર પ્રહારો કરતા હતા. પરંતુ યુપી વિધાનસભામાં સીએમ યોગી અને અખિલેશની અલગ જ સ્ટાઈલ જોવા મળી હતી. જે દર્શાવે છે કે પાર્ટીને લઈને નેતાઓ વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ વ્યક્તિગત રીતે કોઈ રાજકીય નેતા દુશ્મન હોતા નથી.