અયોધ્યા: અયોધ્યામાં 5મી ઓગસ્ટે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનનું થવાનું છે, ત્યારે તેની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે અયોધ્યાની મુલાકાત લીધી હતી અને ભૂમિપૂજનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભૂમિપૂજનમાં વડાપ્રધાન મોદી હાજર રહેવાના હોવાથી સુરક્ષાનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યુ છે.

ભૂમિ પૂજન માટે જે જમીન સમતલ કરવામાં આવી છે તેને જોયા બાદ તેઓએ રામ મંદિરનો નક્શો પણ જોયો હતો. સીએમ યોગીએ રામલલાના દર્શન કર્યા અને હનુમાન ગઢી મંદિર પણ ગયા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, અયોધ્યામાં 500 વર્ષ બાદ આવો શુભ મુહૂર્ત જોવા મળ્યો છે. તેઓએ કહ્યું કે, રક્ષા બંધનથી આપણો પ્રયત્ન રહેવો જોઈએ કે સતત ત્રણ દિવસ સુધી તમામ મંદિરમાં અખંડ રામાયણનો પાઠ થાય. આ દરમિયાન કોરોનાને લઈને જે ગાઈડલાઈન્સ છે તેનું પાલન કરવામાં આવે.

આ ઉપરાંત તેઓએ કહ્યું કે, દેશ અને દુનિયામાં અયોધ્યાનો વ્યાપક પ્રભાવ છે. તેને કરવામાં અમે સફળ રહ્યાં છે અને આ શુભ મુહૂર્ત આપણા સૌની સામે આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર તરફથી બનાવવામાં આવેલી વ્યવસ્થા અને તેના અનુશાસનનું આપણ બધા પાલન કરીશું.