લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વીજળી ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય સરકારે વીજળીના દરોમાં ભાવ વધારો કર્યો છે. યોગી આદિત્યનાથ સરકારે ઘરેલુ ગ્રાહકો માટે વીજળીના ભાવમાં 8 થી 12 ટકા સુધી વધારો કર્યો છે. જ્યારે ઔદ્યાગિક ગૃહો માટે વીજળીના ભાવમાં 5 થી 10 ટકા સુધી વધારો કર્યો છે.


રાજ્યમાં આશરે બે વર્ષ બાદ વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 2017માં વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સરકારે ત્યારે 12.73 ટકાનો વધારો કર્યો હતો. જે બાદ ચૂંટણીના પરિણામ આવ્યા પછી યુપી પાવર કોર્પોરેશને તમામ કેટેગરીમાં આશરે 3 કરોડ ગ્રાહકો માટે વીજળીના વર્તમાન દરમાં વધારાનો પ્રસ્તાવ આપ્યો હતો. જે અંતર્ગત વીજળીના દર 6.20થી 7.50 રૂપિયા પ્રતિ યૂનિટનો પ્રસ્તાવ હતો. કોમર્શિયલ વીજળીના દર 8.85 રૂપિયા પ્રતિ યુનિટ સુધી કરવાની સાથે ફિક્સ્ડ ચાર્જ વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. યોગી સરકાર ઘણા સમયથી વીજળીના ભાવ વધારવાનું વિચારતી હતી.

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને બીએસપી પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને યોગી સરકાર પર પ્રહાર કર્યો છે. માયાવતીએ લખ્યું, બીજેપી સરકાર દ્વારા વીજળીના ભાવ વધારાને મંજૂરી આપવી જનવિરોધી ફેંસલો છે. તેનાથી રાજ્યની જનતા પર મોંઘવારીનો બોજ પડશે. તેમનું જીવન વધારે મુશ્કેલ બનશે.