Yogi govt meat sale ban: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ અને ગેરકાયદેસર કતલખાનાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના નવા આદેશ અનુસાર, હવેથી કોઈપણ મંદિર, ગુરુદ્વારા, મસ્જિદ કે ચર્ચની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં માંસનું વેચાણ કરી શકાશે નહીં. આ સાથે જ રાજ્યભરમાં ચાલી રહેલા તમામ ગેરકાયદેસર કતલખાનાઓને તાત્કાલિક બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
સરકાર દ્વારા આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે જિલ્લા સ્તરે વિશેષ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, વાહનવ્યવહાર વિભાગ, ખાદ્ય સુરક્ષા પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે, જેઓ આ આદેશનું પાલન કરાવશે.
આ ઉપરાંત, યોગી સરકારે આગામી ૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ આવતા રામ નવમીના તહેવાર પર સમગ્ર રાજ્યમાં વિશેષ નિયંત્રણો લાદવાનો આદેશ આપ્યો છે. આ દિવસે રાજ્યભરમાં પ્રાણીઓની કતલ અને માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સરકારે તમામ અધિકારીઓને આદેશનું કડક પાલન કરાવવા સૂચના આપી છે અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે યુપી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૫૯ અને ફૂડ સિક્યુરિટી એક્ટ ૨૦૦૬ અને ૨૦૧૧ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૭માં આ સંદર્ભમાં જારી કરાયેલા પોતાના અગાઉના આદેશોને પણ ટાંક્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક સ્થળોની નજીક કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રાણીઓની કતલ અને માંસનું વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અમૃત અભિજાતે આ અંગે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરોને તાત્કાલિક ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ગેરકાયદેસર કતલખાનાઓ સામે એક મોટું અભિયાન ચલાવ્યું હતું, જેના પરિણામે રાજ્યમાં અનેક ગેરકાયદેસર કતલખાનાઓ બંધ થયા હતા. સરકાર દ્વારા આ પગલું માત્ર ધાર્મિક કારણોસર જ નહીં, પરંતુ જાહેર આરોગ્ય, સ્વચ્છતા અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ લેવામાં આવ્યું હતું. તાજેતરના વર્ષોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓ અંગે લોકો દ્વારા અનેક ફરિયાદો નોંધાવવામાં આવી હતી, જેના કારણે વહીવટી તંત્રને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાનો પણ સામનો કરવો પડતો હતો.
હવે યોગી સરકારના આ નવા આદેશથી મંદિરો, ગુરુદ્વારાઓ, મસ્જિદો અને ચર્ચોની આસપાસ ૫૦૦ મીટર સુધી માંસનું વેચાણ સંપૂર્ણપણે બંધ થઈ જશે. સરકારનું માનવું છે કે ધાર્મિક સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ નિર્ણયથી લોકોની ધાર્મિક લાગણીઓનું પણ સન્માન થશે. જો કે, સરકારના આ નિર્ણયથી માંસના વેપારીઓ અને ગેરકાયદેસર કતલખાના ચલાવનારાઓમાં ખળભળાટ મચી ગયો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે માત્ર ધાર્મિક સ્થળોની નજીક ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના અને દુકાનો જ બંધ કરવામાં આવશે. યોગી સરકારે સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં પણ રાજ્યમાં ગેરકાયદેસર કતલખાનાઓ અને ગેરકાયદે માંસના વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી રાજ્યમાં સ્વચ્છતા વધશે, ધાર્મિક સ્થળોનું વાતાવરણ સુધરશે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.