પોલીસ ટીમ ગેરકાયદેસર દારૂનો ધંધો બંધ કરવા મંગળવારે મોડી રાત્રે કાસગંજનાં નાગલા ધીમર ગામ ગઈ હતી. જેમાં કોન્સ્ટેબલ દેવેન્દ્ર અને સબ ઇન્સપેક્ટર અશોક પાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે લઈ જતા દેવેન્દ્રનું મોત નીપજ્યું હતું જ્યારે અશોક પાલની અલીગઢ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
શરાબ માફિયાઓએ સબ ઈન્સ્પેક્ટર અશોક અને કોન્સ્ટેબલ દેવેન્દ્રના યુનિફોર્મ પણ ફાડી નાખ્યા હતા અને શસ્ત્રો પણ છીનવી લીધા હતા. ઘટનાની માહિતી મળતાં પોલીસ દળ સાથે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બીજી તરફ, સીએમ યોગીએ કાસગંજની ઘટના અંગે કડક વલણ અપનાવતાં ગુનેગારો પર એનએસએ લાદવાનો આદેશ આપ્યો છે. કાસગંજ કેસનો મુખ્ય આરોપી મોતી ધિમર છે. મોતી ધિમર હિસ્ટ્રી શીટર છે અને તેના પર 11 કેસ છે.
ઘટના સામે આવ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોપી પર એનએસએ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત તેના પરિવારજનોને 50 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આશ્રિતોને નોકરી આપવાનું પણ આશ્વાસન આપ્યું છે. મૃતક કોન્સ્ટેબલ તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. તેમના લગ્ન વર્ષ 2016 માં થયા હતા. દેવેન્દ્રને બે પુત્રી છે. મોટી પુત્રી ત્રણ વર્ષની છે જ્યારે નાની પુત્રી માત્ર 4 મહિનાની છે. દેવેન્દ્રના પિતા ખેડૂત છે અને હવે દારૂના માફિયા પણ તેની વૃદ્ધાવસ્થાની લાકડીઓ લઈ ગયા છે.
કાસગંજની આ ઘટનાએ ફરી એક વાર કાનપુરના બિકરુ શૂટઆઉટની યાદ અપાવી હતી. જેમાં ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલી ટીમ પણ જીવલેણ હુમલો થયો હતો જેમાં સીઓ સહિત અનેક પોલીસ જવાન શહીદ થયા હતા. બાદમાં પોલીસે આરોપી વિકાસ દુબેનું એન્કાઉન્ટર કર્યુ હતું.