Prayagraj News: ઉત્તર પ્રદેશમાં ઉમેશ પાલ મર્ડર કેસ બાદ માફિયા અતીક અહેમદની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પ્રયાગરાજ પોલીસ અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવા ગુજરાતની સાબરમતી જેલમાં પહોંચી છે. મળતી માહિતી મુજબ ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતીક અહેમદની પૂછપરછ કરવામાં આવશે. તેમજ 2006 સંબંધિત કેસમાં અતીક અહેમદને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અતિકને 30 થી 36 કલાકની રોડની સફર બાદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઈ જવામાં આવશે. આ દરમિયાન અતિકની કાર ગમે ત્યારે પલટી જશે કે કેમ? તેને લઈને દેશભરમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના ડીજીપી દેવેન્દ્ર સિંહ ચૌહાણે અતીક અહેમદની કાર પલટી જવાને લઈને મોટો જવાબ આપ્યો છે.


ઉત્તર પ્રદેશના ડીજીપી દેવેન્દ્ર સિંહ ચૌહાણે અતીક અહેમદની કાર પલટી જવા અંગે મોઘમ જવાબ આપતા કહ્યું હતું કે, અમારા વાહનો નથી પલટજતા પણ ગુનેગારો પલટી જાય છે. આ સાથે ડીજીપીએ કહ્યું હતું કે, માફિયા અતીક અહેમદને ગુજરાતમાંથી યુપી લાવવામાં આવી રહ્યો છે કારણ કે તેને જૂના કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ડીજીપીએ યુપી પોલીસની કડકાઈ અંગે મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, યુપી પોલીસ જેને ઈચ્છે તેની ધરપકડ કરી શકે છે, કાયદાના દાયરામાં પણ લાવી શકે છે.


માફિયામાંથી રાજનેતા બનેલા અતિક અહેમદને પ્રયાગરાજ જેલમાં હાઈ સિક્યોરિટી બેરેકમાં આઈસોલેશનમાં રાખવામાં આવશે. તેમજ તેના સેલમાં સીસીટીવી કેમેરા પણ હશે. જેલ સ્ટાફની પસંદગી તેમના રેકોર્ડના આધારે કરવામાં આવશે અને તેમની પાસે બોડી વર્ન કેમેરા હશે. પ્રયાગરાજ જેલ ઓફિસ અને જેલ હેડક્વાર્ટર વીડિયો વોલ દ્વારા ચોવીસ કલાક મોનિટર કરશે. પ્રયાગરાજ જેલમાં તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ડીઆઈજીને જેલ હેડક્વાર્ટર મોકલવામાં આવી રહ્યા છે.


એન્કાઉન્ટર વિશે કહ્યું કે...
માફિયા અતીક અહેમદ વિશે વાત કરતા ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ડીએસ ચૌહાણે કહ્યું હતું કે, અમારા રેકોર્ડમાં ગુનેગારની એક ગેંગ છે અને તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. અમે ગુનેગારોને ગુનેગાર તરીકે જોઈએ છીએ. અમારા માટે તે માત્ર ગેંગ લીડર છે. યુપી પોલીસ જેને ઈચ્છે તેની ધરપકડ કરી શકે છે, તેમને કાયદાના કઠેડામાં ઊભા કરી શકે છે. ક્યારે અને કેવી રીતે કોની ધરપકડ કરવી એ અમારી વ્યૂહરચનાનો ભાગ છે.' UP DGP ચૌહાણે કહ્યું હતું કે, અમે જેલમાં થતા અનેક કાવતરાઓને નિષ્ફળ બનાવી દઈએ છીએ અને કેટલીકવાર અમે તેનો ખુલાસો કરતા નથી. એન્કાઉન્ટર અંગેના સવાલ પર તેમણે કહ્યું હતું કે, જો કોઈ ગોળી મારે તો પોલીસની અમારી ટ્રેનિંગ એવી છે કે, અમે ગોળીનો જ જવાબ આપીએ. ડીજીપી ડીએસ ચૌહાણે કહ્યું હતું કે, યુપી પોલીસનો પાયો મજબૂત છે.


Atiq Ahmed : અતિકને ગુજરાતથી UP લઈ જવા STFએ બનાવેલો પ્લાન A અને B શું છે?
ઉત્તર પ્રદેશના પ્રખ્યાત ઉમેશ હત્યા કેસમાં આખરે પોલીસના હાથ માફિયા ડોન અતીક અહેમદના હાથ સુધી પહોંચ્યા છે. ગુજરાતની સાબરમતી જેલમાં બંધ માફિયા આતિકને યુપી લઈ જવા ઉત્તર પ્રદેશ પોલીસની STF પહોંચી ગઈ છે. ટીમ તેને કારમાં બેસાડશે અને ભારે સુરક્ષા હેઠળ રોડ માર્ગે પ્રયાગરાજ લઈ જશે.


આ માટે બે રૂટ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ રૂટ પ્લાનમાં તેને રાજસ્થાનના બાંદા ચિત્રકૂટ થઈને ઉદયપુર થઈને પ્રયાગરાજ લાવવાની યોજના છે. ખાસ સંજોગોમાં STFને અન્ય રૂટ પ્લાનનો ઉપયોગ કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. જો કે, પોલીસે આ રૂટ પ્લાન અંગે ન તો કોઈ નિવેદન આપ્યું કે ન તો કોઈ વિગત જાહેર કરી છે. પરંતુ શક્યતા છે કે આ રૂટ પ્લાન મુજબ પોલીસ ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ સુધીનો પ્રવાસ શરૂ કરી શકે છે.