ન્યૂઝ એજન્સી PTIના મતે 85 વર્ષીય બિટ્ટન દેવી કિશની વિકાસ ખંડના ચિતાયન ગામની રહેવાસી છે. તેમની પાસે લગભગ 13 વિઘા જમીન છે. તે બુધવારે મૈનપુરી તાલુકા ઓફિસમાં વકીલ કૃષ્ણ પ્રતાપ સિંહના ચેમ્બરમાં ગયા હતા. તેમણે વકીલ સાથે વાત કરી અને પોતાની બધી જમીન વડાપ્રધાન મોદીના નામ પર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
વૃદ્ધાને ખૂબ સમજાવવામાં આવ્યા પરંતુ તે પોતાની જીદ પર અડગ રહ્યા હતા. વકીલે તેમના વિશે જાણકારી માંગી તો વૃદ્ધાએ જણાવ્યું હતુ કે તેમના પતિનું મોત થઇ ચૂક્યું છે. તેમના બે દીકરા અને પુત્રવધૂ છે. તેમના દીકરાઓ તેમની દેખરેખ રાખતા નથી. તેઓ સરકાર તરફથી આપવામાં આવતા પેન્શન પર જીવન ગુજારી રહ્યા છે એટલા માટે તેઓ પોતાની જમીન વડાપ્રધાન મોદીને આપવા માંગે છે. બાદમાં વકીલે જિલ્લાધિકારીની સાથે વાત કરવી પડશે એમ કહીને વૃદ્ધાને ઘરે મોકલી દીધા હતા.