UP Politics: દેશની વર્તમાન પરિસ્થિતિની ઉત્તરપ્રદેશ વિના કલ્પના પણ કરી શકાતી નથી. પછી તે રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય કે દેશની લોકસભાની. અહીંના પરિણામોની અસર સમગ્ર દેશ પર જોવા મળી રહી છે. આવું જ કંઈક તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની આકાંક્ષા ઉત્તરપ્રદેશમાં પૂરી થઈ શકી નથી, જે રાજ્ય પર તેને સૌથી વધુ આશા અને વિશ્વાસ હતો. જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનો વિજય થયો હતો.


હવે તેનું મહત્વ લોકસભા સત્રમાં જોવા મળશે. 18મી લોકસભાના પ્રથમ સત્રના ત્રીજા દિવસે યુપી તેના સાડા પાંચ દાયકા જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યું છે. દેશના રાજકીય ઈતિહાસમાં આ ત્રીજીવખત બનશે જ્યારે વડાપ્રધાન અને વિપક્ષના નેતાનો સંસદીય ક્ષેત્ર એક જ રાજ્યમાં હશે.


એકતરફ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે તો બીજીતરફ વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી હશે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા, ત્યારે રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટણી જીતી હતી. બાદમાં રાહુલે વાયનાડમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે રાહુલ રાયબરેલીથી સાંસદ છે.


અગાઉ, જ્યારે બે વાર એવું બન્યું હતું કે વિપક્ષના નેતા અને વડાપ્રધાન એક જ સંસદીય ક્ષેત્ર ધરાવે છે, ત્યારે રાહુલના પિતા રાજીવ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીએ આ જવાબદારી ઉપાડી હતી.


ત્યારે રાજીવ અને સોનિયા હતા LOP 
1989માં જ્યારે દેશના પીએમ વિશ્વનાથ પ્રતાપસિંહ યુપીના ફતેહપુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા ત્યારે અમેઠીના સાંસદ રાજીવ ગાંધી વિરોધ પક્ષના નેતા હતા. બરાબર 10 વર્ષ પછી જ્યારે અટલ બિહારી વાજપેયી લખનઉથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા, અને પીએમ બન્યા ત્યારે અમેઠીથી ચૂંટણી જીતનાર સોનિયા ગાંધીએ LOPની કમાન સંભાળી.


તમને જણાવી દઈએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે રાત્રે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી વિપક્ષના નેતાનું પદ સંભાળશે. હવે રાહુલનો દરજ્જો કેબિનેટ મંત્રીની સમકક્ષ હશે અને ઘણા નિર્ણયોમાં તેમનો અભિપ્રાય મહત્વપૂર્ણ રહેશે.