Road Accident: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. એક ઓવરલોડ ડમ્પર કાબુ બહાર જઈને બસ પર પલટી ગયું અને ત્યારપછીના અકસ્માતમાં 11 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ તમામ ઉત્તર પ્રદેશના સીતાપુરથી ઉત્તરાખંડના પૂર્ણનગરી જઈ રહ્યા હતા. આ અકસ્માત શનિવારે રાત્રે લગભગ 12.15 કલાકે થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 25 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.


સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બસના મુસાફરો રાત્રે શાહજહાંપુરના એક ભોજનશાળામાં રોકાયા હતા. ત્યારે પાછળથી આવી રહેલું એક ડમ્પર કાબુ બહાર જઈ તેની સાથે અથડાઈને પલટી મારી ગયું હતું. આ માર્ગ અકસ્માત બાદ રાત્રે લગભગ 1 વાગ્યા સુધીમાં ઘટનાસ્થળે જ 11 મુસાફરોના મોતની પુષ્ટિ થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 25 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ તમામ ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.


બસ સીતાપુરથી આવી રહી હતી


ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. આ તમામ ઉત્તરાખંડના પૂર્ણનગરીમાં માતાના દરબારમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો માતાના દરબારમાં દર્શન કરવા આવે છે. સીતાપુરના સિંધૌલીના ભક્તો અહીં દર્શન માટે જઈ રહ્યા હતા. આ તમામ ખાનગી બસ દ્વારા માતાના દરબારમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. આ અંગેની માહિતી શાહજહાંપુર પોલીસે આપી છે.




પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જ્યારે બસ શાહજહાંપુરના ગોલા માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે તેને નાસ્તો અને ખાવા માટે એક ઢાબા પર ઉભી રાખી હતી. બસ બંધ થયા બાદ કેટલાક શ્રદ્ધાળુઓ ધાબા પર ભોજન લેવા ગયા હતા. જ્યારે કેટલાક બસમાં બેઠા હતા અને કેટલાક બહાર લટાર મારતા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. ડમ્પર પલટી જતાં ત્યાં હાજર કેટલાક ભક્તો તેની નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવી છે.