લખનઉઃ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જ્યારે દેશની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમત આપ્યો છે માટે અમારા માટે મોદી જ સુપ્રીમ કોર્ટ છે.


સંજય રાઉતે સોમવારે કહ્યું કે, “મંદિર નિર્માણની શરૂઆતનો શુભ સમય આવી ગયો છે. પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થશે. આ કોઈ ક્રેડિટ લેવાની લડાઈ નથી. દેશે મોદીજીને ચૂંટયા છે, અમે એની વાત સાંભળીશું. તેઓ જ અમારા માટે સુપ્રીમ કોર્ટ છે.”



તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈને જ રહેશે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, ભાજપ વારંવાર મંદિરના નામે લોકો પાસે મત ન માગી શકે.

નોંધનીય છે કે, સંજય રાઉતે સોમવારે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી સાથે મુલાકાત મુદ્દે રાજ્યસભા સાંદ અને શિવસેના પ્રવક્તા રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પ્રસ્તાવિત પ્રવાસ મામલે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યો. વાતચીત અત્યંત સકારાત્કમ રહી. નોંધનીય છે કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 16 જૂનના રોજ પોતાના તમામ સાંસદો સાથે અયોધ્યા આવીને રામલલાના દર્શન કરશે.