નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પર હુમલા અને હિંસાના રિપોર્ટ આવતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરી કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે અમારા નાગરિકોને આ રીતે છોડી શકતા નથી. મારી સંવેદના એ મેડિકલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે છે જેઓ આ હિંસાનો ભોગ બન્યા છે. કોઈ પણ માતાપિતાએ આ પીડામાંથી પસાર થવું ન જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત સરકારે તેમને ત્યાંથી બહાર કાઢવાની યોજનાની જાણકારી જાહેર કરવી જોઇએ. સરકારે આ યોજના તે વિદ્યાર્થીઓને પણ જણાવવી જોઈએ, સાથે જ તેમના વાલીઓને પણ જણાવવી જોઈએ.
વીડિયો શેર કરતાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે આવી હિંસાનો સામનો કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને આ વીડિયોને જોઇ રહેલા તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. કોઈ પણ માતા-પિતાએ આમાંથી પસાર થવું જોઈએ નહીં. ભારત સરકારે તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢવા જોઇએ. યુક્રેનમાંથી વતન લાવવાની વિગતવાર યોજના જાહેર કરવી જોઇએ. આપણે આપણા લોકોને છોડી શકીએ નહીં.
નોંધનીય છે કે યુક્રેનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ કોઈપણ રીતે ત્યાંથી બહાર નીકળવા માંગે છે. પરંતુ તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ સરહદ પર અટવાયા છે. સરકાર તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે
પોલેન્ડ જઈ રહેલી ભારતીય વિદ્યાર્થીઓની ટીમ પર હુમલાના સમાચાર છે. આ વિદ્યાર્થીઓ ફતેહાબાદના રહેવાસી છે. અહેવાલો અનુસાર, લડાઈમાં એક વિદ્યાર્થીનો હાથ તૂટી ગયો છે. PM મોદીને મદદની અપીલ કરતા ફતેહાબાદના એક વિદ્યાર્થીએ એક વીડિયો જાહેર કર્યો છે. હુમલાનો ભોગ બનેલા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે હુમલાખોરો યુક્રેનિયન સૈનિકો હતા, આ સૈનિકો ભારત દ્વારા યુક્રેનને યુદ્ધમાં સાથ ન આપવા પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા.