નવી દિલ્હીઃ ભારતીયો માટે અમેરિકાના નવા પ્રેસિડેન્ટે એક મોટો ફેંસલો લીધો છે. અમેરિકામાંથી ભારતીય માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમેરિકન પ્રમુખ જો બાઇડેનનું ઇમિગ્રેશન બિલ હવે કાયદાનું રૂપ લઇ લેશે, જો આમ થશે તો ગ્રીનકાર્ડ હોલ્ડર્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે ૩,૭૫,૫૦૦નો વધારો થશે.


પ્રેસિડેન્ટ બાઇડેનનાં આ મહત્વના પગલાંનો મહત્તમ લાભ ભારતીયોને થશે. અમેરિકામાં જો આ મહત્વનો કાયદો બની જશે તો એડવાન્સ ડિગ્રી ધરાવતા વધુ ૮૦,૦૦૦ કામદારોને પીઆર મળી શકશે. આ ઉપરાંત ખૂબ ઊંચું કૌશલ્ય ધરાવતા યુનિવર્સિટીના અધ્યાપકો, સંશોધકો સહિતના ૭૮,૦૦૦ ફર્સ્ટ પ્રેફરન્સ કામદારોને પણ પીઆર મળશે. એટલે કહી શકાય કે જો બાઇડનનો આ નિર્ણય ભારતીયોને PR મેળવવામાં સહેલાઇ લાવી દેશે. 


રોજગાર આધારિત ઇમિગ્રન્ટ્સના બેકલોગ પર નજર કરીએ તો જાણી શકાશે કે આમાં ભારતીય અરજદારોની સંખ્યા ૬૮ ટકા એટલે કે ૮ લાખ છે. ઇમિગ્રેશન નીતિના નિષ્ણાત ડૌગ રાન્ડનું કહેવું છે કે બિલની મદદથી ફક્ત વિઝા કેપમાં જ વધારો થવાનો હોવાથી તમામ ગ્રીનકાર્ડની કામગીરી એક જ વર્ષમાં પુરી નહીં થાય. સાથે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં વધુ પીઆરની જોગવાઇ આવકાર્ય છે.


આ બિલમાં કાયમી કામદારના જીવનસાથી કે સગીર બાળકોનો કેપમાં સમાવેશ થતો નથી. તે ઉપરાંત અમેરિકન વિશ્વ વિદ્યાલયમાંથી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિજ્ઞાનમાં પીએચડીની પદવી મેળવી ચૂકેલાઓનો પણ કેપમાં સમાવેશ થતો નથી. બાઇડેને 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ આ બિલને સંસદ માટે મોકલી દીધુ હતુ. આ અતંર્ગત રોજગાર આધારિત પેન્ડિંગ વિઝાને મંજૂરી આપી દેવામાં આવશે. પ્રત્યેક દેશ પર વિઝા માટે લગાવવામા આવેલી મર્યાદાને ખતમ કરવામાં આવશે, અને વેઇટિંગ ટાઇમને ઘટાડવામાં આવશે. ખાસ વાત છે કે સંસદના બન્ને ગૃહ પ્રતિનિધિ સભા અને સીનેટમાં બિલ પાસ થઇ ગયા બાદ, અને પ્રેસિડેન્ટ બાઇડેનના હસ્તાક્ષર બાદ કાયદો બની જશે. આ કાયદા પ્રમાણે ડૉક્યૂમેન્ટ વિના રહી રહેલા અને ગેરકાયેદ દેશમાં આવેલા લાખો લોકોને નાગરિકતા મળી જશે.