લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે કોરેન્ટાઈન સેન્ટરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો છે. હવે આ ફેંસલા પર વિવાદ શરૂ થઈ ગયો છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, મોબાઈલ ફોનથી કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો છે. તેથી જે લોકોને કોરેન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવશે તેમના મોબાઈલ જમા કરી લેવામાં આવશે. ઘણા દર્દીઓ વોર્ડની સમસ્યાનો વીડિયો બનાવીને વાયરલ કરતા હતા. જેનાથી બચવા સરકારે આદેશ કર્યો હોવાનું કહેવાય છે. જેને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સવાલ ઉઠાવ્યા છે.

અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું, જો મોબાઈલથી સંક્રમણથી ફેલાય તો આઈસોલેશન વોર્ડની સાથે સમગ્ર દેશમાં તેના પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. એકલતામાં આ વસ્તુ માનસિક સહારો બને છે. હોસ્પિટલની દુર્દશા તથા મિસમેનેજમેન્ટનું સત્ય લોકો સુધી ન પહોંચે તેથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોબાઈલ પર પ્રતિબંધની જરૂર નથી પણ સેનેટાઇઝ કરવાની છે.


ઉત્તરપ્રદેશમાં કોરોના મામલાની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા છ હજારને પાર કરી ગઈ છે. 24 કલાકમાં 288 નવા કોરોના પોઝિટિવ મામલા આવ્યા બાદ રાજ્યમાં કોરોનાના કુલ 6017 મામલા નોંધાયા છે. જેમાંથી 1423 પ્રવાસી મજૂરો છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2456 છે, જ્યારે 3406 દર્દી સંક્રમણ મુક્ત થઈ ગયા છે. સારવાર દરમિયાન 155ના મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે મામલા આગ્રામાં છે. જ્યાં સંક્રમિતોની સંખ્યા 845 પર પહોંચી છે.