નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં હાલ લોકડાઉન 4 ચાલી રહ્યું છે. કોરોનાને ફેલાતો અટકાવવા દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આશરે બે મહિના સુધી જાહેર પરિવહન સેવા બંધ રહ્યા બાદ ધીમે ધીમે શરૂ કરવામાં આવી રહી છે. આ દિશામાં દિલ્હી મેટ્રોએ પણ આગામી દિવસોમાં યાત્રામાં થનારા બદલાવની ઝલક રજૂ કરી હતી.


દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ એક ટ્વિટ કરીને જણાવ્યું કે, 2020માં મેટ્રો ટ્રેનમાં યાત્રાની રીત બદલી દેવામાં આવી છે. આ ટ્વિટમાં 2 ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે, જેના દ્વારા સોશિયલ ડિસ્ટેંસિંગ સમજાવાની કોશિશ કરવામાં આવી છે.

પ્રથમ તસવીર મેટ્રોમાં સામાન્ય દિવસોમાં યાત્રાની છે, જેમાં તમામ સીટ પર લોકો બેઠા છે. જ્યારે બીજા ફોટામાં એક મેટ્રો કર્મચારી એક સીટ છોડીને એક સીટ પર સ્ટીકર લગાવી રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે "અહીંયા ન બેસવું." આ સ્ટિકર આગામી દિવસોમાં મેટ્રોમાં મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગના પાલન તરફ ઈશારો કરી રહ્યું છે.

મેટ્રો સેવા શરૂ થયા બાદ તેમાં મુસાફરીને લઈ શું નિયમ હશે તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ અત્યાર સુધી શરૂ થયેલી તમામ સેવાઓને ધ્યાનમાં રાખી મેટ્રોમાં પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જરૂરી હશે તે ચોક્કસ છે. દિલ્હી મેટ્રોનું નેટવર્ક દેશમાં કોઈ પણ મેટ્રો ટ્રેનના મુકાબલે સૌથી મોટું છે. ડીએમઆરસી દરરોજ 250 કિલોમીટરથી વધારે લાંબા રેટ નેટવર્ક પર અસંખ્ય ફેરા લગાવે છે. જેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12,910 પર પહોંચી છે. 231 લોકોના મોત થયા છે અને 6267 લોકો સાજા થઈ ગયા છે.