વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો છે.  વારાણસીથી દિલ્હી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માત ઉત્તર પ્રદેશના ટુંડલા પાસે થયો હતો. 






મળતી માહિતી મુજબ, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વારાણસીથી દિલ્હી આવી રહી હતી, જ્યારે ટુંડલાથી આગળ જેસલમેર અને પારા સ્ટેશન વચ્ચે લાઇન ક્રોસ કરી રહેલો યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ટ્રેનની સ્પીડ વધુ હતી અને ટ્રેક ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારી હતી, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું હતું.


ભૂતકાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અનેક અકસ્માત નડ્યા હતા. ઘણી વખત રખડતા પશુઓ ટ્રેનની સામે આવી ચુક્યા છે અને જેના કારણે ટ્રેનના આગળના ભાગને ઘણી વખત નુકસાન થયું છે. એટલું જ નહી, ટ્રેનની ટક્કરથી અનેક વખત પશુઓના મોત પણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (27 જૂન) ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ટ્રેનોને લીલી ઝંડી બતાવતા પહેલા પીએમ મોદીએ અહીંની એક વંદે ભારત ટ્રેનમાં સવાર વિદ્યાર્થીઓ અને ટ્રેન સ્ટાફ સાથે વાતચીત કરી હતી.


પીએમ મોદીએ જે પાંચ ટ્રેનોને લીલી ઝંડી બતાવી તેમાં પ્રથમ ટ્રેનનું નામ રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત ટ્રેન છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ ભોપાલ અને જબલપુરને જોડશે. તે રાજ્યના અનેક પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. જેમાં ભેડાઘાટ, પંચમઢી અને સતપુડાનો સમાવેશ થાય છે. જ્યારે ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેન રાજ્યના માલવા અને બુંદેલખંડ વિસ્તારોને ભોપાલ સાથે જોડશે. આ દરમિયાન આ ટ્રેન મહાકાલેશ્વર, માંડુ, મહેશ્વર, ખજુરાહો જેવા પર્યટનના મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થશે.


બીજી ટ્રેન ખજુરાહોથી ઈન્દોર થઈને ભોપાલ વચ્ચે દોડશે. ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગોવાના મડગાંવથી મુંબઈ વચ્ચે દોડશે. આ સાથે ચોથી વંદે ભારત ટ્રેન ધારવાડથી બેંગલુરુ વચ્ચે અને પાંચમી ટ્રેન ઝારખંડના હટિયા અને બિહારના પટના વચ્ચે દોડશે. હાલમાં ભારતમાં કુલ 23 વંદે ભારત ટ્રેન થઇ ગઇ છે.