ઉત્તરકાશી:  ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના અંગે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું છે કે નીચલા હર્ષિલ વિસ્તારમાં એક કેમ્પમાંથી 8-10 ભારતીય સેનાના સૈનિકો ગુમ થયાના અહેવાલ છે.

મંગળવારે બપોરે 01:45 વાગ્યાની આસપાસ ઉત્તરાખંડના ઉત્તરકાશીના હર્ષિલમાં ભારતીય સૈન્ય શિબિરથી લગભગ 4 કિમી દૂર ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. વાદળ ફાટ્યા પછી આવેલા ભીષણ પૂરમાં લગભગ 10  લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ગુમ હોવાની આશંકા છે.

આ પૂરને કારણે, પવિત્ર ગંગોત્રી ધામ સાથેનો તમામ માર્ગ સંપર્ક કપાઈ ગયો છે. આ આફતને કારણે પાણી અને કાટમાળનું એટલું પૂર આવ્યું કે આખો વિસ્તાર ડૂબી ગયો અને ઘણી એજન્સીઓને કટોકટીની મદદ માટે મોકલવામાં આવી છે.

આ આર્મી કેમ્પ પણ તેની ઝપેટમાં આવી ગયો, અહીં એક આર્મી મેસ અને કાફે છે. અકસ્માતમાં ઘણા સૈનિકો ગુમ થવાની આશંકા છે. હર્ષિલમાં સેનાના 14 રાજરિફ યુનિટ તૈનાત છે. આ ઉપરાંત, ઉત્તરકાશીથી 18 કિમી દૂર નેટલામાં ભૂસ્ખલનને કારણે ધરાલી પહોંચી શકાતું નથી.

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના અંગે બ્રિગેડ કમાન્ડર બ્રિગેડિયર મનદીપ ઢિલ્લોને જણાવ્યું હતું કે, "આજે ધરાલી ગામમાં ભૂસ્ખલન  થયું હતું. હર્ષિલ પોસ્ટ પર સ્થિત ભારતીય સેનાની ટુકડી 10 મિનિટમાં ગામમાં પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી ચાલુ છે. લગભગ 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. થોડીવાર પછી, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાએ આર્મી કેમ્પ અને અમારા બચાવ દળોની એક ટૂકડીને પણ પોતાની ચપેટની લઈ લીધા હતા."