Uttarakhand Political Crisis: ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે. તેમણે રાજભવન પહોંચી રાજ્યપાલ બેબી રાની મોર્યને રાજીનામું આપ્યું છે.  છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી કે ભાજપ હાઈકમાન્ડન ઉત્તરાખંડમાં નેતૃત્વ બદલવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ત્રિવેંદ્રસિંહ રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. દિલ્હીથી પરત આવ્યા બાદ તેમણે રાજીનામું આપી દિધુ છે. 


ત્રિવેંદ્ર સિંહ રાવતના રાજીનામા બાદ ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે સવારે બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે મે આજે રાજ્યપાલને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સોંપી દિધુ છે. તેમણે કહ્યું પાર્ટીએ ચાર વર્ષ રાજ્યની સેવા કરવાની તક આપી. મે ક્યારેય વિચાર્યું નહોતું કે મને આ તક મળશે. હવે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે મુખ્યમંત્રી પદ પર સેવા કરવાની તક અન્ય કોઈને આપવામાં આવે. 


ત્રિવેંદ્ર સિંહ રાવતના રાજીનામાં બાદ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે ઘણા નામ સામે આવી રહ્યા છે. આ નામમાં સાંસદ અજય ભટ્ટ, અનિલ બલૂની અને કેંદ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ નિશંક પોખરિયાલ છે.


ભાજપ હાઈકમાન્ડ નેતૃત્વ પરિવર્તન પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે રાજ્ય સરકારના મંત્રી ધન સિંહ રાવત, મુખ્યમંત્રી ત્રિવેંદ્ર રાવતના મજબૂત વિકલ્પના રૂપમાં છે.