દેહરાદૂનઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીના નામનું સસ્પેંસ ખતમ થઈ ગયું છે. પૌડી ગઢવાલ સીટ પરથી બીજેપીના લોકસભા સાંસદ તીરથ સિંહ રાવતને વિધાયક દળની બેઠકમાં આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દેહરાદૂન સ્થિત બીજેપી ઓફિસમાં થયેલી વિધાયક દળની મીટિંગમાં તેમના નામ પર મહોર લાગી હતી.


આ પહેલા CM પદની રેસમાં રમેશ પોખરિયાલ નિશંક, અજય ભટ્ટ, ધન સિંહ રાવતનું નામ હતું. જોકે સીએમ પદ માટે તીરથ સિંહ રાવતના નામની જાહેરાત સાથે જ બધા ચોંકી ગયા હતા.


તીરથ સિંહે તેમના નામની જાહેરાત બાદ કહ્યું, મને જે જવાબદારી મળી છે તેને સારી રીતે નિભાવીશ. ત્રિવેન્દ્ર સિંહ રાવતે સીએમ તરીકે જે કામ કર્યા છે તેને આગળ વધારવાનું કામ કરીશ. જે કામ ઉત્તરાખંડમાં ત્રિવેંદ્ર સિંહ રાવતે કર્યુ છે તે પહેલા કોઇએ કર્યુ નહોતું. હું રાજ્યની ભલાઈ માટે કામ કરીશ.



ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાવતની વિરુદ્ધ નારાજગીના કારણે જ મુખ્યમંત્રી પદના દાવેદાર ઊભા થઈ ગયા. એક વરિષ્ઠ બીજેપી નેતા મુજબ- ટોપ લીડરશિપમાં વિકાસ કાર્યોની ધીમી ઝડપને લઈ પણ નારાજગી હતી. આ ઉપરાંત પાર્ટીમાં જૂથવાદ પણ ઊભો થયો હતો. સાથોસાથ પ્રશાસનના સ્તર પર ઢીલી નીતિએ સ્થિતિને વધુ બગાડી દીધી. અનેક બાબતોને કારણે ત્રિવેન્દ્ર સિંહ રાવતની છબિને નુકસાન પહોંચાડ્યું હતું. જેથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.