એક તરફ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ સરકારે પણ રસીકરણની પ્રક્રિય ઝડપી બનાવી છે. પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે. જેમાં 60 વર્ષથી વધુ વયનાને આવરી લેવામાં આવશે. સાથે જ જેમને બિમારી હોય અને ૪૫ વર્ષ કે તેથી વધુ વયના હોય તેમને પણ પહેલી માર્ચથી રસી આપવાનું શરૂ કરી દેવામાં આવશે.


બીજા તબક્કામાં ૧૦ હજાર સરકારી કેન્દ્રો પર જ્યારે ૨૦ હજાર ખાનગી કેન્દ્રો પર આ રસી આપવામાં આવશે. જો કે ખાનગી કેન્દ્રો પર રસી આપવાનો શું ચાર્જ લેવામાં આવશે તેની સ્પષ્ટતા ટૂંક સમયમાં કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી છે.

બીજા તબક્કામાં દેશભરમાંથી આશરે ૨૭ કરોડ લોકોને આવરી લેવાશે. અગાઉ એવા અહેવાલો હતા કે બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યોના બધા જ મુખ્ય મંત્રીઓ, સાંસદો, અને ધારાસભ્યોને પણ રસી આપવામાં આવી શકે છે. જોકે આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

જે લોકોની વયની ૪૫ વર્ષથી વધુની હોય તેમને ડાયાબિટિસ, હાયપરટેંશન, હાર્ટ સંબંધી બિમારીઓ, કેંસર જેવી બિમારી હોય તેમને પણ બીજા તબક્કામાં આવરી લેવામાં આવી શકે છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે જે પણ નેતાઓ ૬૦ વર્ષથી વધુ વયના હોય અને ૪૫ વર્ષની વધુ વયના હોય તેમજ બિમારી હોય તો તેઓ ઇચ્છે તો રસી લઇ શકે છે.