Vande Bharat Sleeper water test: ભારતીય રેલ્વે (Indian Railways) મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ટૂંક સમયમાં જ પાટા પર દોડવા જઈ રહેલી 'વંદે ભારત સ્લીપર ટ્રેન' (Vande Bharat Sleeper Train) નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ હાઈસ્પીડ ટ્રેનનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં ટ્રેનની ગતિ અને સ્થિરતા જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. ખાસ વાત એ છે કે 180 કિમી પ્રતિ કલાકની તોફાની ઝડપે દોડવા છતાં ટ્રેનમાં રાખેલા ગ્લાસમાંથી પાણીનું એક ટીપું પણ નીચે પડ્યું ન હતું.
વોટર ટેસ્ટમાં પાસ થઈ વંદે ભારત
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે (30 ડિસેમ્બર, 2025) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઐતિહાસિક ક્ષણનો વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રેન ફૂલ સ્પીડમાં દોડી રહી છે, છતાં તેની અંદર ટેબલ પર મુકેલા પાણી ભરેલા ગ્લાસમાં જરા પણ હલચલ જોવા મળતી નથી. રેલ્વેની ભાષામાં આને 'વોટર ટેસ્ટ' (Water Test) કહેવામાં આવે છે, જે ટ્રેનની સંતુલન ક્ષમતા અને મુસાફરોને આંચકા વિનાની મુસાફરીનો અનુભવ કરાવવા માટે કરવામાં આવે છે. આ પરીક્ષણ નવી જનરેશનની ટ્રેનની અદ્યતન ટેકનોલોજી (Advanced Technology) અને શ્રેષ્ઠ સસ્પેન્શન સિસ્ટમનો પુરાવો છે.
કોટા-નાગડા સેક્શન પર યોજાયો ટ્રાયલ રન
મંત્રીએ તેમની પોસ્ટમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રેલ્વે સેફ્ટી કમિશનરની દેખરેખ હેઠળ આ ટેસ્ટ રન (Test Run) હાથ ધરવામાં આવ્યો હતો. આ પરીક્ષણ કોટા-નાગડા સેક્શન વચ્ચે યોજાયું હતું, જ્યાં ટ્રેને 180 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી. આ સફળતા ભારતીય ઈજનેરી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે.
સ્લીપર વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થશે
ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા વંદે ભારત સ્લીપર ટ્રેનના બે પ્રોટોટાઈપ (Prototype) તૈયાર કરવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે. હાલમાં દેશમાં દોડતી વંદે ભારત ટ્રેન માત્ર બેસીને મુસાફરી કરવા માટે (Chair Car) છે, પરંતુ લાંબા અંતરની મુસાફરી માટે આ સ્લીપર વર્ઝન આશીર્વાદરૂપ સાબિત થશે. હાલમાં આ ટ્રેન તેના પરીક્ષણના અંતિમ તબક્કામાં છે અને સલામતીના તમામ માપદંડો પર ખરા ઉતર્યા બાદ તેને મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે.