વારાણસીઃ દેશમાં કોરોનાને નાથવા હાલ રસીકરણ અભિયાન (Corona Vaccination) ચાલી રહ્યું છે. ઘણા લોકો રસી લેવાથી આડઅસર થવાના ડરે રસી નથી લઈ રહ્યા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર (PM Modi) મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં (Varanasi) 125 વર્ષના દાદાએ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર રસી લીધી હતી. સ્વામી શિવાનંદ (Swami Sivananda) નામની જન્મ તારીખ 8 ઓગસ્ટ, 1986 છે. હાલ તેઓ ભેલપુર વિસ્તારના કબીર નગર કોલોનીમાં રહે છે. શિવાનંદે ખુદ વેક્સીન સેન્ટર પર જઈને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો.


સ્વામી શિવાનંદ વારાણસીના લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. 125 વર્ષની વયે પણ તેઓ ઘણા સક્રિય છે અને કોઈની મદદ વગર પોતાના કામ ખુદ કરે છે. લોકોનું કહેવું છે કે શિવાનંદની દિનચર્ચાનો મુકાબલો કોઈ યુવાન વ્યક્તિ પણ ન કરી શકે. બાંગ્લાદેશના શ્રીહટ્ટમાં જન્મેલા શિવાનંદ દરરોજ સવારે 3 વાગે ઉઠી જાય છે અને ગંગામાં સ્નાન બાદ યોગ કરે છે.


શિવાનંદ અનુસાર તેઓ સાદુ ભોજન લે છે અને તેલ-મસાલાથી ઘણા દૂર રહે છે. તેઓ મોટાભાગે લીલી શાકભાજી અને દાળનો જ ભોજનમાં સમાવેશ કરે છે. તેમને કોઈ પ્રકારનું વ્યસન પણ નથી. શિવાનંદના કહેવા મુજબ તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાનું મોત ભૂખમરાના કારણે થયું હતું. ત્યારથી લઈ તેઓ આજ સુધી અડધું પેટ ભરાય તેટલું જ ભોજન કરે છે.




ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 94,052 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,51,367 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 6148 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.


કુલ કેસઃ બે કરોડ 91 લાખ 83 હજાર 521


કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 76 લાખ 55 હજાર 493


એક્ટિવ કેસઃ 11 લાખ 67 હજાર 952


કુલ મૃત્યુઆંકઃ 11,67,952


દેશમાં સતત 28માં દિવસે કોરોના વાયરસના નવા મામલા કરતાં રિકવરી વધારે છે. 9 જૂન સુધી દેશભરમાં 24 કરોડ 27 લાખ 26 હજાર કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 33 લાખ 79 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 37 કરોડ 21 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.