નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવા હુમલાની વધુ એક કોશિશ નિષ્ફળ બનાવવામાં આવી છે. સેનાએ પુલવામાના જયાનગુંડ વિસ્તારમાં એક સેન્ટ્રો કારમાં મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. સુરક્ષાદળોને કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી અને તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક મળ્યા હતા.

જાણકારી મુજબ, કારને તેની જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ લઈ જવી શક્ય નહોતી. તેથી સુરક્ષાદળોએ આ કારને ત્યાં જ નિયંત્રિત વિસ્ફોટકથી ઉડાવી દીધી હતી. આ કારમાં મોટી માત્રામાં વિસ્ફોટક ભરેલા હતા તેથી જ્યારે તેને ઉડાવવામાં આવી ત્યારે આસપાસના ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું. ધડાકાનો અવાજ ઘણે દૂર સુધી સંભળાયો હતો.


સુરક્ષાદળોએ કારને ઉડાવતાં પહેલા આસપાસના વિસ્તારને ખાલી કરાવી દીધો હતો.પોલીસને મોડી રાતે માહિતી મળી કે, અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેનાએ અમુક રુટ્સ તુરંત સીલ કરી દીધા હતા.

આ દરમિયાન જ એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. સેનાએ આ ગાડી કબજે કરી લીધી હતી.