Bharat Ratna: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ગાંધીનગરના પૂર્વ સાંસદ લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરાશે. આ જાણકારી ખુદ પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આપી છે.


પીએમ મોદીએ લખ્યું, મને જણાવતા ખુશી થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરાશે. તમેં તેમને વાત કરીને આ સન્માન બદલ અભિનંદન પાઠવ્યા છે. અમારા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓ પૈકીના એક અડવાણીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. તેમણે જમીન સ્તરેથી કામ શરૂ કર્યુ હતું અને ઉપપ્રધાનમંત્રીના રૂપમાં દેશની સેવા કરી. તેમણે ગૃહ મંત્રી અને સૂચના તથા પ્રસારણ મંત્રી તરીકે પણ ઓળખ બનાવી.






ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમા નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ એક હિન્દુ સિંધી પરિવારમાં કરાચી, પાકિસ્તાનમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગસાહસિક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી તેઓ ડીજી નેશનલ સ્કૂલ, હૈદરાબાદ, સિંધમાં જોડાયા. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો. અહીં તેમણે બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેમના પુત્રનું નામ જયંત અડવાણી અને પુત્રીનું નામ પ્રતિભા અડવાણી છે.


અડવાણીએ 2002 અને 2004 ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડા પ્રધાનનું પદ સંભાળ્યું હતું. આ પહેલા તેઓ 1998 થી 2004 દરમિયાન બીજેપીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)માં ગૃહમંત્રી રહી ચુક્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારાઓમાં સામેલ છે. 10મી અને 14મી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શરૂ કરી હતી. 2015 માં, તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.