નવી દિલ્હીઃ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને મોટું નિવેદન આપ્યું છે. આલોક કુમારે કહ્યું છે કે કોગ્રેસ જો લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં રામ મંદિરનો મુદ્દો સામેલ કરશે તો સમર્થન પર વિચાર કરવામાં આવશે. વીએચપી તરફથી આ નિવેદન એવામાં સમયમાં આવ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો સડકથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી ગરમાઇ રહ્યો છે.


આલોક કુમારે કર્યું કે, રામ મંદિરને લઇને જેમણે વચન આપ્યું છે , જો કોગ્રેસ મેનિફેસ્ટોમાં સામેલ કરે કે તેઓ મંદિર બનાવશે તો કોગ્રેસને સમર્થન આપવા પર વિચાર કરવામાં આવશે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રામ મંદિરના નિર્માણને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હાલમાં કોર્ટમાં છે. સાથે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં નોકરી અને ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ મહત્વના રહેશે.

વીએચપીનું આ નિવેદન બીજેપી માટે મોટા ઝટકા સમાન છે. કહેવામાં આવી રહ્યું છે કે વીએચપીનો મંદિરને લઇને ભાજપ પરનો વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે.  આલોક કુમારે કુંભમાં કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે રામ મંદિરને લઇને કેન્દ્ર સરકાર કોઇ કાયદો લાવશે નહી એટલા માટે અમે 31 જાન્યુઆરીના રોજ યોજનારી બે દિવસીય ધર્મ સંસદમાં સાધુ સંતોને આ અંગેની જાણકારી આપીશું. તાજેતરમાં જ ઉત્તરાખંડના વરિષ્ઠ કોગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોગ્રેસના સત્તામાં આવ્યા બાદ જ બનશે.