Vice President Candidate: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓ (UPA)એ તેમના ઉમેદવાર તરીકે માર્ગરેટ અલ્વાની પસંદગી કરી છે. NCP સુપ્રિમો શરદ પવારે આ અંગે મીડિયાને જાણકારી આપી હતી. આ પહેલાં NDA તરફથી જગદીપ ધનખડને ઉમેદવાર બનાવ્યા છે.






17 વિપક્ષી પાર્ટીઓનું સમર્થનઃ


ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ અલ્વાના નામની જાહેરાત કરવામાં આવી છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે તેમના નામની જાહેરાત કરી હતી. આ પહેલા દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે વિપક્ષી દળોની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, સીપીઆઈ(એમ)ના નેતા સીતારામ યેચુરી, શિવસેનાના નેતા સંજય રાઉત અને અન્ય હાજર હતા. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને સંસદના આગામી સત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં શરદ પવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષી ઉમેદવાર તરીકે માર્ગારેટ અલ્વાના નામની જાહેરાત કરી હતી. 17 વિપક્ષી પાર્ટીઓ દ્વારા સર્વસંમતિથી માર્ગરેટ અલ્વાના નામની પસંદગી કરાઈ છે.


વિપક્ષી દળોની બેઠક બાદ શરદ પવારે કહ્યું કે, કોંગ્રેસ નેતા માર્ગારેટ અલ્વા વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. તે 19મીએ ઉમેદવારી નોંધાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મીટિંગ દરમિયાન ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો સંપર્ક થઈ શક્યો ન હતો. વિપક્ષી ઉમેદવારને અત્યાર સુધી 17 પક્ષોનું સમર્થન છે. શરદ પવારે કહ્યું, "અમે મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. છેલ્લી વખતે તેઓએ અમારા સંયુક્ત રાષ્ટ્રપતિ ઉમેદવારને સમર્થન આપ્યું હતું." સાથે જ શિવસેનાએ કહ્યું કે અમે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષની સાથે છીએ. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ ચૂંટણીમાં વિપક્ષ એકસાથે છે.