લંડનઃ ભાગેડુ વિજય માલ્યાએ બ્રિટનની હાઈકોર્ટમાં આવેદન કરી બ્રિટનના ગૃહ મંત્રી દ્વારા આપવામાં આવેલા પ્રત્યાર્પણ આદેશની વિરૂદ્ધ અપીલ કરવાની મંજૂરી માંગી છે. બ્રિટનમાં વિજય માલ્યા સામે પ્રત્યર્પણ વોરન્ટ ઈશ્યુ કરવામાં આવી ચુક્યું છે હાલ તે જામીન પર બહાર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હોમ સેક્રેટરી અને વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે માલ્યાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. ગત વર્ષે ભારતે માલ્યાની વિરુદ્ધના મનીલોન્ડરિંગ સહિતના કેસના આરોપસર તેના પ્રત્યાર્પણની માંગણી બ્રિટન પાસે કરી હતી. જેને બ્રિટનની સરકારે માન્ય રાખી હતી.


આ અંગે એડમિનિસ્ટ્રેટિવ કોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિજય માલ્યાએ અરજી કરી છે. અને આ અરજીમાં આજે અપીલ કરવા માટેની રજા માંગવામાં આવી છે. આ અંગે માલ્યાએ જણાવ્યું હતું કે આ અંગે કઈ કૉમેન્ટ કરવા જેવું નથી. અગાઉ મે આ અપીલ કરવા માટેનો મારો ઈરાદો જાહેર કર્યો હતો.

આ અંગે કોર્ટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ અરજીનો ચુકાદો બે સપ્તાહથી લઈને બે મહિનાના સમયમાં આવી શકે છે. હવે આ બાબતે કોર્ટના વકીલો જોશે. તેમણે કહ્યું હતું કે કેટલાક કેસમાં તે અંગેના કાગળો પર જજ નિર્ણય કરે છે. અને કેટલાક કેસોને સીધા જ ઓરલ હિયરિંગ માટે મોકલવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યએ ભારતની સરકારી બેન્કો પાસેથી 9 હજાર કરોડની લોન તેની એરલાઈન્સ કિંગફિશર એરલાઈન્સ માટે લીધી હતી. પરંતુ તેની ચૂકવણી હજી સુધી કરવામાં આવી નથી.