નવી દિલ્હીઃ સંકટોમાં ફસાયેલા ભાગેડુ વિજય માલ્યાએ ફરીથી એકવાર કહ્યું કે તે સરકારી બેન્કોનું પુરેપુરુ દેવું ચૂકવવા તૈયાર છે. અત્યારે 63 વર્ષીય માલ્યા ભારતીય કોર્ટમાંથી ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થઇ ચૂક્યો છે, અને તેના પર ભારતીય બેન્કો સાથે છેતરપિંડી અને મની લૉન્ડ્રીંગના આરોપોમાં કાર્યવાહી માટે ભારતીય એજન્સીઓના હવાલે કરવા માટે બ્રિટનમાં પ્રત્યાર્પણ કાર્યવાહી ચાલી રહી છે. માલ્યાએ પોતાની હાલની રજૂઆત માટે નાણાંમંત્રી નિર્મલા સીતારમણના લોકસભામાં આપેલા નિવેદનનો હવાલો આપ્યો છે. માલ્યાએ ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.


માલ્યાએ બુધવારે ટ્વીટ કરીને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહે લોકસભામાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. સીતારમણે કહ્યું હતું કે કારોબારી નિષ્ફળતાને ખરાબ રીતે ન જોવી જોઈએ. ઈનસોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ દ્વારા કારોબારીઓને સમ્માનજનક રીતે દેવામાંથી નીકળવાની તક આપવી જોઈએ. સીતારમણે કેફે કોફી ડેના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થના મોતના મામલામાં આ વાત કરી હતી.


માલ્યા પહેલા પણ ઘણીવાર કહી ચૂક્યો છે તે તમામ દેવું(લોન) ચૂકવવા તૈયાર છે. માલ્યાએ બેન્કોને 9,000 કરોડ રપિયા ચૂકવવાના બાકી છે. તેની કિંગફિશર એરલાઈન્સે લોન લીધી હતી. માલ્યાની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. તેના પ્રત્યાર્પણ મામલાની સુનાવણી યુકે હાઈકોર્ટમાં અગામ ફેબ્રુઆરીમાં થશે.