ઉજ્જૈનઃ કાનપુર એનકાઉન્ટરના આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેની આજે પોલીસે ધરપકડ કરી છે. એનકાઉન્ટરના સાતમા દિવસે વિકાસની મધ્યપ્રદેશના ઉજજૈનથી ધરપકડ કરવામાં આવી હતી. જાણકારી પ્રમાણે, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં તે આત્મસમર્પણ કરવા માંગતો હતો, તેણે પહેલા જ પોલીસને જાણકારી આપી દીધી હતી.

મહાકાલ મંદિરના સિક્યોરિટી ગાર્ડે જ પોલીસને જાણકારી આપી હતી. આશરે 10 રાજ્યોની પોલીસ વિકાસને શોધતી હતી. પોલીસે ધરપકડ કરી હોવા છતાં વિકાસ પર તેની કોઈ અસર જોવા નહોતી મળી. તેણે મીડિયા સામે કહેવા લાગ્યો.... હું વિકાસ દુબે છું... કાનપુરવાળો.

આ દરમિયાન વિકાસની માતાએ તે ઉજ્જૈન કેમ ગયો હતો તેને લઈ મોટો ખુલાસો કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, વિકાસની માતા સરલા દેવીએ તેની ધરપકડ કહ્યું- વિકાસનું સાસરું મધ્ય પ્રદેશમાં છે. તે દર વર્ષે ઉજ્જૈનના મહાકાલ મંદિરે જાય છે. હું જે કહું છું તેનાથી કોઈ ફરક પડતો નથી, સરકાર જે યોગ્ય છે તે કરવા જઈ રહી છે.



આ પહેલા વિકાસ દુબેની માતા સરલા દેવીએ કહ્યું હતું, તે મરી જાય તો પણ ચિંતા નથી. વિકાસના કારણે અમારી ઘણી બદનામી થઈ છે. તેણે પોલીસને મારીને ઘણું ખોટું કર્યુ છે. જેણે જેવું કર્યુ તેવું ભોગવશે. સરકાર અને પોલીસને જેમ કરવું હોય તેમ કરે. વિકાસના ઘર સાથે તેમનો કોઈ સબંધ નથી.

સરલા દેવીએ જણાવ્યું, વર્ષો પહેલા વિકાસનું એક્સિડેન્ટ થયું હતું. જેમાં તેના બંને પગમાં સળિયા નાંખવા પડ્યા હોવાથી તે ઝડપથી ભાગી શકતો નથી. વિકાસ તેના બાળકો અંગે તો વિચાર કરવો જોઈતો હતો. વિકાસના બે બાલકો છે. જેમાં એક વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે અને બીજો વિકાસની પત્ની સાથે રહે છે.